રાજકારણ@ગુજરાત: પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા કંઇ નવાજૂની કરવાના મૂડમાં, કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવા એંધાણ

 
કેબિનેટ મંત્રી

કોંગ્રેસમાં રહ્યાં બાદ પક્ષપલટો કરી ભાજપમાં આવ્યાં હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ફરીથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઘણાં લાંબા વખતથી નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા કંઇ નવાજૂની કરવાના મૂડમાં છે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, તેઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ખાનગીમાં બેઠક કરી છે. આ જોતાં આગામી દિવસોમાં જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવા એંધાણ છે.

પોરબંદરની પેટાચૂંટણી વખતે મનસુખ માંડવિયાએ જવાહર ચાવડા પર નિશાન સાધી એવુ કહ્યું હતું કે, જે વ્યક્તિ પક્ષના નિશાન લઈને ફરે છે તેમણે પક્ષનું કામ કરવું જોઇએ. સામે જવાહર ચાવડાએ કહ્યું કે, ભાજપ પક્ષવિરોધીઓને જ છાવરે છે. જેમણે ચૂંટણીમાં પક્ષના ઉમેદવારને હરાવવાનું ખુલ્લેઆમ કૃત્ય કર્યુ છે તેની સામે પગલાં ભરવામાં આવતા નથી. વર્ષ 2017માં જે ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કરી હતી. એ જ નેતાઓએ વર્ષ 2019માં પણ ભાજપના ઉમેદવારને હરાવવાનું કૃત્યુ કર્યુ હતું.જવાહર ચાવડા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યાં બાદ પક્ષપલટો કરી ભાજપમાં આવ્યાં હતા. વિધાનસભાની ચૂંટણીમાં તેમની હાર થયા બાદ તેઓ જાણે અજ્ઞાતવાસમાં જતા રહ્યાં હોય તેમ રાજકીય કાર્યક્રમોમાં દેખાતા બંધ થયા હતા.