રાજકારણ@ગુજરાત: 2027 ની ચૂંટણી પહેલાં પૂર્વ CM નું મોટું એલાન, જાણો શું કહ્યું?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આગામી વિધાનસભા 2027ની ચૂંટણી ને ધ્યાને રાખી ગાંધીનગરમાં પ્રજા શક્તિ પાર્ટીના અગ્રણીઓ સાથે બેઠક યોજી સક્રિય રી-એન્ટ્રી કરી છે. તેમણે ભાજપ સામે લડવા જનતાની ફોજ તૈયાર કરી 2 ઓક્ટોબરે વિશ્વાસ સંમેલન યોજવાની જાહેરાત કરી છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પોતાના આક્રમક તેવર માટે જાણીતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર સક્રિય રાજકારણમાં ઉતર્યા છે. ચૂંટણીઓ નજીક આવતા જ ગાંધીનગરમાં તેમણે પ્રજા શક્તિ પાર્ટી સાથે સંકળાયેલા હોદ્દેદારો અને કાર્યકરો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
આ બેઠકમાં આગામી દિવસોમાં જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે નક્કર બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. બેઠક દરમિયાન જનતાના મૂળભૂત મુદ્દાઓ, તેના વાસ્તવિક ઉકેલ, સંગઠનાત્મક આયોજન અને તેના ક્ષેત્રીય અમલીકરણ અંગે ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.ગાંધીનગર ખાતે બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા શંકરસિંહ વાઘેલાએ પોતાના રાજકીય વલણ અંગે મોટો ધડાકો કર્યો હતો. તેમણે જણાવ્યું કે વર્તમાન શાસક પક્ષ સામે મજબૂત લડત આપવા માટે તેઓ લોકોની ફોજ તૈયાર કરી રહ્યા છે.
કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર તેમણે સ્પષ્ટ કહ્યું કે, "કોંગ્રેસમાં જોડાવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેમણે આકરા પ્રહારો કરતા કહ્યું, "મારે ભાજપને સત્તામાંથી બહાર કરવી છે અને ગુજરાતની પ્રજાના હિત માટે સક્રિય લડત લડવી છે." તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "મને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. જનતા માટે કામ કરવું છે અને જો મારી સાથે કોઈ નહીં આવે તો હું એકલો લડીશ."ચૂંટણી રાજકારણમાં સફળતા મેળવવા માટે સમયસર તૈયારી અનિવાર્ય છે તે વાત પર ભાર મૂકતા પૂર્વ મુખ્યમંત્રીએ આગામી 12 મહિનાનું ચોક્કસ કાર્યક્રમ જાહેર કર્યું છે.
તેમણે જાહેરાત કરી હતી કે આગામી 2 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં એક વિશાળ 'વિશ્વાસ સંમેલન' યોજવામાં આવશે. આ સંમેલન દ્વારા કાર્યકરોને દિશા આપવામાં આવશે અને લોકો વચ્ચે જઈને તેમનો વિશ્વાસ સંપાદિત કરવાની કામગીરી શરૂ કરાશે. ગામડે-ગામડે ફરીને લોકોના સાચા અવાજને મંચ પૂરું પાડવાની તેમની નેમ છે. શંકરસિંહ વાઘેલાએ રાજ્યના વર્તમાન પડકારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે રાજ્યમાં યુવાનો માટે નોકરીઓની અછત, આસમાને પહોંચેલી મોંઘવારી અને કાગળ પર રહેલી દારૂબંધી જેવા અનેક ગંભીર પ્રશ્નો છે જેનાથી સામાન્ય નાગરિકો ત્રસ્ત છે. આ તમામ લોકપ્રશ્નોને લઈને તેઓ જનઆંદોલન છેડશે. સરકાર સામે માત્ર રાજકીય નિવેદનબાજી કરવાને બદલે જમીની સ્તરે પ્રજાના હક્કો માટે લડવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો છે, જે આગામી ચૂંટણી સમીકરણોમાં નવી ગતિવિધિ લાવી શકે છે.

