રાજકારણ@ગુજરાત: ગેનીબેન ઠાકોરના નિવેદનથી કોંગ્રેસમાં શરૂ થયો કકળાટ, જાણો શું છે મામલો?

 
ગેનીબેન

પોતાના સંબોધનમાં કોંગ્રેસની ખામીઓ કાઢી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠામાં ગેનીબેને એકલા હાથે ભાજપને પછડાટ આપી છે. એકમાત્ર ગેનીબેન ઠાકોરની જીતને કારણે ગુજરાત લોકસભા ચૂંટણી ચર્ચામાં રહી. તેમણે જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની અનેક ખામીઓ વિશે પાર્ટીને સલાહ આપી હતી. પરંતુ બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરના નિવેદન સામે વિરોધ નોંધાવતા ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે.

બનાસકાંઠાના નવનિયુક્ત સંસદ ગેનીબેનના કોંગ્રેસ સંગઠન વિશેના નિવેદનને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરના નિવેદન સામે સખત વિરોધ નોંધાવ્યો છે. સંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પક્ષની ઝીરો ગ્રાઉન્ડ લેવલે કામ કરવાની સિસ્ટમમાં ભાજપ કરતાં ઉણપ છે. જેના કારણે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના દમ અને સમાજની તાકાત ઉપર ચૂંટણી લડવી પડે છે. આ નિવેદન બાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા નારાજ થયા હતા અને તેમણે પોતાના ફેસબુક પર પોસ્ટ મૂકીને ગેનીબેન ઠાકોર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

ગેનીબેને જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની ખામીઓ પણ કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો આપવા માંગુ છું કે ઝીરો ગ્રાઉન્ડ ઉપર કામગીરમાં ભાજપની સરખામણીએ આપણી સિસ્ટમમાં ઘણો મોટો અભાવ છે. જેના કારણે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ ઉપર પોતાના સમાજની તાકાત ઉપર ચૂંટણી લડવું પડે છે. તેના બદલે જો પાર્ટી પેરેલર ચૂંટણી લડતી થશે, તો કોંગ્રેસ મજબૂતાઈ ચૂંટણી મેદાનમાં જઈને જન આશીર્વાદ મેળવતી થશે. એની શરૂઆત બનાસકાંઠાથી થઈ છે. બનાસકાંઠા કોંગ્રેસનો કાયમી ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાની મોટી સિસ્ટમનો અભાવ હોય. ક્યાંક પક્ષ વિરોધી કામો જે કરતા હોય એ લોકોને પાર્ટીમાં નિયમ પ્રમાણે કોઈ સ્થાન ન હોવું જોઈએ.