રાજકારણ@ગુજરાત: રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત

 
Chuntani

રવિવારના દિવસે મોટાભાગના કર્મચારીઓને રજા રહેતી હોય છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે માટે સરકાર દ્વારા ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું.16 ફેબ્રુઆરી રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. રવિવારના દિવસે મોટાભાગના કર્મચારીઓને રજા રહેતી હોય છે.પરંતુ શ્રમજીવી વર્ગ જીવન નિર્વાહ માટે રવિવાર ઉપરાંત સપ્તાહના તમામ 7 દિવસ કામ કરતો હોય છે.

16 ફેબ્રુઆરીના રોજ શ્રમજીવી વર્ગ મતાધિકારનો ઉપયોગ કરી જે - તે વિસ્તારના ઉમેદવારને મતદાન કરી શકે માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો. જે તે વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી- કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં કે બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીનું મતદાન તા.16 ફેબ્રુઆરી2025 રવિવારના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાનાર છે. 18 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મતગણતરી થશે.