રાજકારણ@ગુજરાત: કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની શક્યતા, નવું માળખુ જાહેર થતાં જ ત્રણ નેતાઓનું રાજીનામું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસમાં નવા માળખાની જાહેરાત થતાં જ ભડકો થયો છે. સુરતમાં ઉપ પ્રમુખ પદેથી સુરેશ સુહાગીયા, મંત્રી પદેથી અશ્વિન સાવલિયા અને ગોડાદરાના મહામંત્રી દીપક પટેલ રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ઈમેલ પર રાજીનામું મોકલી આપ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. હોદ્દા પરથી રાજીનામું આપનારા કાર્યકર્તાઓ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ કહ્યું હતું કે, ત્રણ લોકોએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે પણ કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. હાર્દિક પટેલ સાથે તેમના જૂના સંબંધ છે તે તેઓની અંગત મુલાકાતના ફોટો છે. રાજીનામું આપનારા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે તે વાત ખોટી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજીનામું આપનાર સુરેશ સુહાગીયાએ મહેશ કેવડીયા દ્વારા હાર્દિક પટેલ સાથે મીટિંગ કરી હતી.
સુરત મહાનગરમાં કોંગ્રેસનું નવુ માળખુ જાહેર થયા બાદ વિવાદ વધુ વકર્યો છે. કેટલાક સભ્યોએ હાર્દિક પટેલ સાથે મીટિંગ કર્યા બાદ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. તેમના હાર્દિક પટેલ સાથેના ફોટા વાયરલ થયા છે. બીજી તરફ કોંગ્રેસે આ મામલે કહ્યું હતું કે, આ જૂના ફોટો છે. જે તે સમયે પાટીદાર આંદોલન વખતે દક્ષિણ ગુજરાતની જવાબદારી હાર્દિક પટેલે મહેશ કેવડિયાને સોંપી હતી. હાર્દિક પટેલે તેમને ભાજપમાં આવવા જણાવ્યું હતું પણ તેમણે ના પાડી હતી. જેથી તેઓ ભાજપમાં જોડાય તે વાત ખોટી છે. એવું કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ કહ્યું હતું.

