રાજકારણ@ગુજરાત: કોંગ્રેસને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી મેદાને, કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક શરુ

 
રાજકારણ
જિલ્લા પ્રમુખોની નિમણૂક ન્યાયી રીતે કરવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા અમદાવાદમાં નિરીક્ષકો સાથે હવે બેઠક કરશે. કોંગ્રેસના આ પ્રોજેક્ટ અંતર્ગત 5 સભ્યની ટીમ બનશે અને 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરવામાં આવશે.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. ખાસ કોંગ્રેસ કાર્યાલય પર AICCના નિરીક્ષકોને ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોર પણ કોંગ્રેસ કાર્યાલય બેઠક માટે પહોંચ્યા છે. પોલીસ દ્વારા પ્રદેશ કાર્યાલયના ગેટ ઉપર તમામ લોકોની પૂછપરછ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ તરફથી પોલીસને નામનું લિસ્ટ આપવામાં આવ્યું છે જે લોકોનું લિસ્ટમાં નામ છે તેટલા જ લોકોને કાર્યાલયમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.અન્ય લોકોને ત્યાં પ્રવેશ આપવાની મનાઈ કરવામાં આવી છે. આજે રાહુલ ગાંધી સાથેની બેઠક અલગ અલગ ચાર તબક્કામાં યોજવાની છે. જેમાં પહેલા તબક્કામાં રાહુલ ગાંધી દરેકનો પરિચય મેળવશે.

બીજા તબક્કામાં કે. સી. વેણુગોપાલ દ્વારા સંગઠન પ્રક્રિયા પર વાત કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં પ્રેઝન્ટેશન થશે જેમાં જિલ્લા પ્રમુખ પસંદ કરવાની પ્રક્રિયાનું વિવરણ હશે. અને ચોથા તબક્કામાં સવાલ-જવાબ થશે. એટલે આ ચાર મુખ્ય તબક્કાઓ રહેશે.કોંગ્રેસની બેઠકને લઇને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે બેઠકને લઈને જણાવ્યું હતું કે, "2025નું સમગ્ર વર્ષ સંગઠનને મજબૂત કરવા પાછળ અમે કામગીરી કરીશું. અધિવેશનમાં પણ સંગઠનને મજબૂત કરવા અંગેનું નક્કી કર્યું હતું. એ જ ઉદ્દેશ્ય સાથે રાહુલ ગાંધી આજે ફરી ગુજરાત આવી રહ્યા છે. ઓબ્ઝર્વરનું લિસ્ટ હાલમાં જ જાહેર થયું છે. તેમની સાથે આજે બેઠક યોજાશે.