રાજકારણ@ગુજરાત: વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ, અનેક મહત્વના વિધેયકો રજુ થશે

 
વિધાનસભા
રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્રણ દિવસ ચાલનારા આ સત્રની શરૂઆત રાજ્યપાલના પ્રવચનથી થશે. સત્રના પ્રથમ દિવસે દિવંગત સભ્યોને શોકાંજલિ પણ આપવામાં આવશે. ટૂંકા સત્ર દરમિયાન સરકાર દ્વારા વિવિધ મહત્વના સુધારા વિધેયકો રજૂ કરવામાં આવશે. બીજી તરફ, વિપક્ષ દ્વારા સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરવાની શક્યતા હોવાથી વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળી શકે છે. ચોમાસુ સત્ર દરમિયાન સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. તેમાં ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયકનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક, ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવશે. ત્રણ દિવસના સત્રમાં આ બિલો ઉપરાંત રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં શાસક પક્ષ ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. દંડકની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી સહિત ભાજપના ધારાસભ્યો હાજર રહેશે. સત્ર દરમિયાન તમામ ધારાસભ્યોની હાજરી સુનિશ્ચિત કરવા માટે તેમને વ્હીપ આપવામાં આવશે. બેઠકમાં વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી શકે તેવા વિરોધ અને સરકારની તરફથી તેનો સામનો કરવા માટેની રણનીતિ અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. જેથી સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.

વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન વિવિધ વિશિષ્ટ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત સચિવાલય સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને ધારાસભ્યો આ અભિયાનમાં ભાગ લેશે. આ ઉપરાંત વિધાનસભા પોડિયમ ખાતે આધુનિક મોડ્યુલર હોસ્પિટલ 'BHISHM CUBE'નું વિશિષ્ટ પ્રદર્શન યોજાશે. તેનું ઉદ્ઘાટન વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. આમ, ત્રણ દિવસના સત્રમાં કાયદાકીય કામગીરી સાથે રાજકીય ચર્ચા અને વિવિધ કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.