રાજકારણ@ગુજરાત: નવસારીમાં ભાજપમાં ભડકો, 4 હોદ્દેદારોએ આજે જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચી રાજીનામાં આપ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવસારી જિલ્લાના જલાલપોર મંડળના 4 નવનિયુક્ત હોદ્દેદારોએ આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખના ટેબલ ઉપર પોતાના રાજ્યનામાં મૂકી દીધા હતા. પક્ષના સનિષ્ઠ કાર્યકર હોય પક્ષને વરેલા રહેવાની કેફિયત તેમણે રજૂ કરી હતી.નવસારી જિલ્લા ભાજપનું માળખું ફેબ્રુઆરીના પ્રારંભે જ જાહેર થવાનું હતું. પરંતુ જિલ્લા ભાજપ મહામંત્રીને લઇ અવઢવ હતી. નવસારી, જલાલપોર, ગણદેવી અને વાંસદા વિધાનસભામાંથી મહામંત્રીના પદ માટે રસાકસી હતી. જેમાં વર્ષોથી અન્યાય થતો હોવાની લાગણી સાથે જલાલપોર તાલુકા મંડળ દ્વારા આ વખતે મહામંત્રી પદ મળે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
મહામંત્રીના નામને કારણે નવસારી જિલ્લા ભાજપનું માળખું મોડું જાહેર થયું, પરંતુ એમાં જલાલપોરના કોઈપણ હોદ્દાદારને મહામંત્રીનું પદ ન અપાતા જલાલપોરના કર્મઠ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે.ઉચ્ચ સ્તરે રજૂઆતો હોવા છતાં જલાલપોરને ફરી અન્યાય કરવામાં આવ્યો હોવાની લાગણી સાથે, નવનિયુક્ત જિલ્લા ઉપપ્રમુખ અશોક પટેલ, જિલ્લા મંત્રી ચેતના પટેલ સહિત બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ અને કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલે પોતાના પદ પરથી રાજીનામાં કરી દીધા છે. આ ચારેય આગેવાનો જ્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા, ત્યારે કાર્યાલય પર કોઈ પણ પદાધિકારી હાજર ન હતું. જેથી તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સાથે ટેલિફોનિક વાત કરી, તેમની વ્યથા જણાવી તેમના હાલમાં જ મળેલા પદો પરથી રાજીનામું આપવાની લાગણી વ્યક્ત કરી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે જિલ્લાના કોઈપણ પદાધિકારીને મોકલી તેમના રાજીનામા સ્વીકારવાની રજૂઆત કરી હતી. જોકે કોઈ આવે એવું ન હોવાથી અંતે જીલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના ટેબલ ઉપર રાજીનામા મુકવાની વાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખે પણ વાંધો નહીં કહી દીધું હતું. આ બાદ જિલ્લા ભાજપ સંગઠનમાં નવનિયુક્ત ઉપપ્રમુખ, મંત્રી તેમજ બક્ષી મોરચાના મહામંત્રી અને કિસાન મોરચાના મહામંત્રીએ પોતાના રાજીનામા જિલ્લા ભાજપ પ્રમુખના ટેબલ ઉપર મૂકી દીધા હતા. સમગ્ર પ્રકરણમાં ચારેય આગેવાનોએ ભાજપના સનિષ્ઠ કાર્યકર તરીકે કાર્યરત રહેવાની લાગણી વ્યક્ત કરી છે. પરંતુ વર્ષોથી જલાલપોર તાલુકાને થતા અન્યાયને કારણે તેમણે રાજીનામા ધાર્યા હોવાની કેફિયત રજૂ કરી હતી.જિલ્લા ભાજપ અને જલાલપોર તાલુકા મંડળ વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. જે આજે જિલ્લા સંગઠનની જાહેરાત સાથે જ સપાટી પર આવી ગયો હતો.

