રાજકારણ@ગુજરાત: પાટીલે ભાજપના આ નેતાને બંને પદ પરથી હટાવ્યા, ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ કાર્યવાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ તરીકે સતત વિવાદમાં રહેલા ધર્મેન્દ્ર શાહની બંને હોદ્દા પરથી હટાવી દેવામા આવ્યા છે. તેના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો આરોપ છે. તેમના વિરુદ્ધ અનેક ફરિયાદ પક્ષની ટોચના નેતા સુધી પહોંચતા તેમની હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.ભાજપના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહને જવાબદારીમાંથી મુક્ત કરવાનો નિર્ણય પાટીલે લીધો હતો.
શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની કચેરીમાં આવેલી એન્ટી ચેમ્બરને તેમણે વ્યક્તિગત ઓફિસ બનાવી દીધી હતી. મેયરની એન્ટી ચેમ્બરમાં જ કોન્ટ્રાકટરોને બોલાવી મોટી રકમના સેટિંગ પાર પાડવામા આવતા હોવા સુધીની ફરિયાદો પ્રદેશ ભાજપથી લઈ દિલ્હી સુધીના નેતા સુધી પહોંચી હતી. પોતે ચૂંટાયેલા કોર્પોરેટર ન હતા. આ કારણથી તેઓ મ્યુનિસિપલ કોપરેશનની કોઈપણ બેઠકમાં હાજર રહી ના શકે. તેમ છતા ધર્મેન્દ્ર શાહ બજેટ રિવ્યૂ બેઠક હોય કે અન્ય બેઠક તેમાં હાજર રહી મ્યુનિસિપલ કમિશનરથી લઈ અન્ય અધિકારીઓને રોફ સાથે સુચનાઓ આપતા હતા.
કેટલીક સુચનોનું અમલ કરવું શક્ય ના હોવા છતાં અધિકારીઓને કમને પણ પ્રભારીએ સુચના આપી હોવાથી કામ કરવા પડતા હતા તે પણ કચવાતા મનથી. વર્ષ- 1995માં કાંકરિયા વોર્ડમાંથી કોર્પોરેટર બનેલા ધર્મેન્દ્ર શાહે તેમના કાર્યકાળ સમયે કાંકરિયા તળાવ 89 લાખ રૂપિયાના ખર્ચથી ખોદાવી નાખવા દરખાસ્ત મંજૂર કરી હતી.