રાજકારણ@ગુજરાત: સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકીય ભૂકંપ, 'આ ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવાયો છે. મોટા શહેરોમાં જબરદસ્ત પ્રચાર શરૂ થયો છે. તેવામાં ભાજપના દબંગ ધારાસભ્ય મનસુખ વસાવાના એક નિવેદનથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. તેમણે કહ્યું હતું કે, ભાજપને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો ડર જ નથી. પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટીને હરાવશે.
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ભાજપને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો ડર જ નથી. પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટીને હરાવશે. આ ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે. પાર્ટી બનાવેલા નિયમોથી જ પાર્ટીને નુકસાન થશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં આ નિયમ નથી લવાયો.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ નિયમ કેમ બનાવ્યો. આ નિયમને કારણે પાર્ટીમાં કાર્યકર્તાઓ નારાજ થવાના છે. 60 વર્ષથી ઉપરના, ત્રણ ટર્મ ચૂંટણી લડેલા ઉમેદવારોને ટિકિટ નહીં આપવી તે નિયમથી પાર્ટીને નુકસાન થશે.
ઉમેદવારોની પસંદગી માટે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓ કરાઈ હતી. ત્યારે ભાજપના સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, પ્રથમ યાદી આજે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે. મોડી સાંજ સુધીમાં પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. પ્રથમ યાદીમાં નિર્વિવાદિત નામો જાહેર કરાશે.

