રાજકારણ@ગુજરાત: કોંગ્રેસના વરિષ્ઠ નેતાની રાજકીય નિવૃત્તિ લેવાની જાહેરાત, કેમ લીધો નિર્ણય? જાણો

 
Rajkaran
તેમની ગણતરી લડાયક મિજાજના આક્રમક નેતા તરીકે થાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોરે હવે રાજકીય નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે આગામી સમયમાં કોઈપણ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ યુવા નેતાઓને તક મળે તે માટે હવે ચૂંટણી નહીં લડે. તેમણે જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસ પક્ષમાં તો રહેશે, પરંતુ કોઈ હોદ્દો કે પદ સ્વીકારશે નહીં. ઉલ્લેખનીય છે કે, જગદીશ ઠાકોરે અગાઉ પણ ચૂંટણી ન લડવાની વાત કહી હતી.જગદીશ ઠાકોરે જણાવ્યું, હું કોંગ્રેસ માટે છેલ્લા શ્વાસ સુધી કામ કરતો રહીશ, પણ હવે યુવા અને દિવસ-રાત મહેનત કરનારા કાર્યકરોને આગળ લાવવાની જરૂર છે.

તેમણે રાહુલ ગાંધી પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, રાહુલભાઇએ મને ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા. હું તેમની કદર કરું છું અને તેમનો ઋણી છું. જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ઉપરથી સંસદસભ્ય રહી ચૂક્યા છે. એ પહેલાં તેઓ બે વખત દેહગામની બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમની ગણતરી લડાયક મિજાજના આક્રમક નેતા તરીકે થાય છે. આ સિવાય તેઓ ઓબીસીમાં (અધર બૅકવર્ડ ક્લાસ, અન્ય પછાત જાતિ) ગણતરી થાય તેવા ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ગણતરી ધરાતલ સાથે જાડેયાલા નેતા તરીકેની થાય છે.

ઠાકોરે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટીના તમામ પદો પરથી રાજીનામાં ધરી દીધાં હતાં, કાર્યકર તરીકે રાજીનામું નહોતું આપ્યું. તેમણે ભરતસિંહ સોલંકી તથા શંકરસિંહ વાઘેલાની કાર્યપદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે.