રાજકારણ@ગુજરાત: આજે નવા મંત્રીમંડળના શપથગ્રહણ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે શપથ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના રાજકારણમાં એક મોટો અને અણધાર્યો વળાંક આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ ગુરુવાર, 16 ઓક્ટોબરના રોજ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા હતા. ત્યારબાદ આજે સવારે 11:30 ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળના શપથગ્રહણનો કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. તેવામાં આજે ગુરુવારે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યપાલ સાથેની બેઠક મુલતવી રખાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. આ પગલું ગુજરાતમાં આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાઓને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ સાથે આ મોટો ફેરફાર ભાજપ હાઈકમાન્ડ રાજ્યમાં સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ અને પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે કરી રહ્યું છે. જૂના મંત્રીઓએ સરકારી કાર પરત જમા કરાવી દીધી છે. નવા મંત્રીઓ માટે કેબિનોમાં સાફસફાઈ અને રંગરોગાન પણ કરી દેવાયા છે.

