રાજકારણ@ગુજરાત: આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ, ઠેર ઠેર ઈવીએમ ખોટકાયા

 
ચૂંટણી
મતદાન મથકે બોલાચાલીના દૃશ્યો જોવા મળ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થવાનું છે. લગભગ 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર છે.

રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી રહી છે. ધંધૂકા અને જામનગરમાં તો બે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિજનો પણ મતદાન કરવા પહોંચ્યા હતા.રાજ્યમાં સ્થાનિક એકમોની ચૂંટણીમાં મતદારોનો ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે જેતપુરમાં ઈવીએમ ખોટકાયાની માહિતી સામે આવી છે. અહીં વોર્ડ નંબર 5 અને 8માં ઈવીએમ ખોટકાઈ જતાં મતદારોની લાંબી લાઈન સર્જાઈ હતી અને મતદાન અટવાઈ ગયું હતું.

બીજી બાજુ લુણાવાડામાં ભાજપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે મતદાન મથકે બોલાચાલીના દૃશ્યો જોવા મળ્યો હતા. અહીં વોર્ડ નંબર 4 પર બે એજન્ટો બાખડ્યા હતા. ગાંધીનગરમાં પણ સ્થાનિક એકમોની ચૂંટણી માટે તાલુકા પંચાયતની 28 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જ્યાં 224 બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 280 ઈવીએમ ફાળવાયા હતા. મતદાનનો એવો ઉત્સાહ હતો કે ધંધૂકામાં એક વરરાજા લગ્ન પહેલા મતદાન કરવા પહોંચી ગયા હતા. જ્યારે બોટાદમાં પણ એક વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ વાજતે-ગાજતે મતદાન કરવા આવ્યા હતા. જ્યારે જામનગરમાં પણ એક વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા.