રાજકારણ@જામનગર: 3 વખત ચૂંટાયેલા નેતા સહિત અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, ભાજપમાં મોટુ ભંગાણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપમાં 3 વખત ચૂંટાયેલા નેતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. 3 વર્ષથી ચૂંટાતા વાલા દુદા પરમાર ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. 1 કરોડથી વધુની રકમનો ભ્રષ્ટાચારનો આરોપ સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જામ રાવલ નગરપાલિકામાં ત્રણ વખત ચૂંટાયેલા નેતા સહિત અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ રાવલ શહેરમાં કોંગ્રેસ દ્વારા "રાવલ બોલે છે" નામનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાજપ શાસિત રાવલ નગરપાલિકામાં ચાલતા કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને નગરપાલિકાના વહીવટમાં રહેલી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાવલ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ભાજપના ઘણા વર્ષો જૂના કાર્યકર્તાઓ પણ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, જે આ કાર્યક્રમની સફળતાનો એક મુખ્ય ભાગ રહ્યો.
જામ રાવલ ગામના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંજયભાઈ મકવાણા કોંગ્રેસમાં જોડાયા છે. પાલ આંબલિયાએ આ પ્રસંગે કહ્યુ કે, 1 કરોડ થી વધુ ની રકમનો ભ્રષ્ટાચારના આરોપ સાથે આ નેતાઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. આ ભંગાણ અને પક્ષપલટાની ઘટનાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. ભાજપના કેટલાક અગ્રણી નેતાઓએ પાર્ટી છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે.કોંગ્રેસે નગરપાલિકાના વહીવટમાં અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં, શહેરના તમામ રોડના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ મુખ્ય હતો. આ ઉપરાંત, થાર વિસ્તારમાં બાળકો માટે હાઈસ્કૂલની સુવિધાનો અભાવ અને ગટર વ્યવસ્થામાં થયેલા છબરડાઓ પણ મુદ્દાઓ તરીકે ઉઠાવવામાં આવ્યા હતા.
આ મુદ્દાઓ દ્વારા કોંગ્રેસે સ્થાનિક લોકોની મૂળભૂત જરૂરિયાતોની અવગણના અને બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો હતો. રાવલ બોલે છે કાર્યક્રમનું આયોજન જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાવલના નાગરિકોને સાથે રાખીને નગરપાલિકા અને સરકારને ભ્રષ્ટાચારનો અરીસો બતાવવાનો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ પ્રમુખ અને જૂના કાર્યકર્તાઓનું કોંગ્રેસમાં જોડાણ એ દર્શાવે છે કે, રાવલ શહેરની વર્તમાન દુર્દશાથી તેઓ નારાજ છે અને પરિવર્તન ઈચ્છે છે. આ આયોજન દ્વારા કોંગ્રેસે આગામી ચૂંટણીઓમાં સત્તા વિરોધી માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. અમરેલીના ચલાલા નગરપાલિકા પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ અચાનક રાજીનામુ ધરી દેતા રાજકારણ ગરમાયું છે. મહિલા પ્રમુખે માત્ર 5 મહિનામાં રાજીનામુ ધરી દેતા ભાજપમા ખળભળાટ મચી ગયો છે.