રાજકારણ@દેશ: BJPએ રાજ્યોના પ્રભારી અને સહ પ્રભારીઓની નવી યાદી જાહેર કરી, જાણો વિગતે

 
ભાજપ
કુલ 6 નેતાઓને એક કરતાં વધુ રાજ્યોની જવાબદારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

BJP દ્વારા આગામી સંગઠનાત્મક કાર્યો અને ચૂંટણી રણનીતિને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો માટે પ્રભારી અને સહ પ્રભારીઓની નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં કેન્દ્રીય સ્તરે સક્રિય રહેલા નેતૃત્વને વિવિધ રાજ્યોનું સુકાન સોંપવામાં આવ્યું છે.પાર્ટી દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, સ્મૃતિ ઇરાનીને હરિયાણા અને છત્તીસગઢ રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા સુનીલ બંસલને પશ્ચિમ બંગાળ અને તેલંગાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પાર્ટીની રણનીતિને વેગ આપવા માટે વિનોદ તાવડેના પ્રભારી પદ પર પણ ભાજપ દ્વારા સત્તાવાર મહોર લગાવી દેવામાં આવી છે.દિલ્હી સંગઠનને લઈને પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં વિનય સહસ્રબુદ્ધેને દિલ્હી યુનિટના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે જમ્યાંગ નામગ્યાલ અને દર્શના જરદોશને સહ-પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

આ તરફ રામ માધવને ઉત્તરાખંડ અને તમિલનાડુના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે બાંસુરી સ્વરાજને પણ સહ-પ્રભારી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.આ નવી નિમણૂકોમાં કુલ 6 નેતાઓ એવા છે કે જેઓ એક કરતાં વધુ રાજ્યોની જવાબદારી સંભાળશે. આ નેતાઓમાં સ્મૃતિ ઇરાની (છત્તીસગઢ અને હરિયાણા), હરીશ દ્વિવેદી (બિહાર અને કર્ણાટક), સતીશ પૂનિયા (જમ્મુ-કાશ્મીર અને પંજાબ), રામ માધવ (તમિલનાડુ અને ઉત્તરાખંડ), સુનીલ બંસલ (તેલંગાણા અને પશ્ચિમ બંગાળ) તેમજ અનિલ એન્ટની (નાગાલેન્ડના પ્રભારી અને ગોવાના સહ-પ્રભારી) નો સમાવેશ થાય છે. ભાજપના આ નવા સંગઠનાત્મક માળખાથી પક્ષની કામગીરી વધુ સઘન બનશે તેવી અપેક્ષા છે.