રાજકારણ@દેશ: ભાજપે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે 144 ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે 144 ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ સુવેન્દુ અધિકારી અને દિલીપ ઘોષને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ નંદીગ્રામ અને ભવાનીપુર બેઠક પરથી શુભેંદુ અધિકારીને બે બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભવાનીપુરથી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગત વખતે ચૂંટણી જીતી હતી. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠક પરથી સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા.
ત્યારબાદ, ભવાનીપુરના ટીએમસી ધારાસભ્ય સોવનદેવ ચટ્ટોપાધ્યાયે મમતા માટે પોતાની બેઠક ખાલી કરવાનો નિર્ણય લીધો અને તેમણે પેટાચૂંટણી જીતી અને બંગાળ વિધાનસભામાં પ્રવેશ કર્યો.ભવાનીપુર મતવિસ્તારમાંથી અધિકારીને મેદાનમાં ઉતારવાનો ભાજપનો નિર્ણય તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વને તેના ગઢમાં પડકારવા માટે આક્રમક વ્યૂહરચનાનો સંકેત આપે છે. ભાજપે ખડગપુર સદરથી ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે તેના ફાયરબ્રાન્ડ મહિલા નેતા અગ્નિમિત્રા પોલને આસનસોલ દક્ષિણથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે, જ્યારે ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસગુપ્તા રાસબિહારી મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે.ચૂંટણી પંચે 15 માર્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. લાંબા સમય પછી બંગાળમાં આઠ તબક્કાને બદલે માત્ર બે જ તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે.પ્રથમ તબક્કાનુ મતદાન 23 એપ્રિલના રોજ થશે.બીજો તબક્કાનુ મતદાન 29 એપ્રિલના રોજ થશે. બધી જ 294 બેઠકોના પરિણામ 4 મેના રોજ એકસાથે જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચે દેશના 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ) ની વિધાનસભા ચૂંટણીઓનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરી દીધો છે. 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 4 મેના રોજ થશે. આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. 2024 ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં, મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસે 215 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી 77 બેઠકો સાથે મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવી હતી. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ આ તમામ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની કુલ 294 બેઠકો છે. કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો એટલે કે બહુમતી માટે 148 બેઠકો જીતવી જરૂરી છે.

