રાજકારણ@પોરબંદર: સભ્યપદ અભિયાન વચ્ચે ભાજપને મોટો ફટકો, આ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ લોકસભામાં સ્પષ્ટ બહુમતી લાવવામાં નિષ્ફળ રહ્યો અને એક દાયકા પછી ગુજરાતમાં લોકસભાની એક બેઠક પર વિજય મેળવ્યા પછી કોંગ્રેસમાં જાણે ફરી જોમ આવ્યું છે અને તે દરેક મોરચે ભાજપને પડકાર ફેંકી રહી છે. હાલ ભાજપે દેશભરમાં સભ્યપદ અભિયાન હાથ ધર્યું છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સ્થાનિક નેતાઓને બે કરોડ લોકોને ભાજપના સભ્ય બનાવવાનું લક્ષ્ય આપ્યું છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં લોકોની સમસ્યાઓના મુદ્દે કોંગ્રેસના આક્રમક વલણ સામે ભાજપ લાચાર સ્થિતિમાં મુકાયેલો જોવા મળી રહ્યો છે. હાલ ભાજપે સમગ્ર રાજ્યમાં સભ્યપદ અભિયાન હાથ ધર્યું છે ત્યારે પોરબંદર ભાજપમાં કાર્યકરો પક્ષનો હાથ છોડી રહ્યા છે અને પંજા સાથે જોડાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે પોરબંદર જિલ્લા ભાજપના આઇટી સેલના કન્વીનર રાજવીર બાપોદરા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી જયેશ સંગાડા સહિતના કાર્યકરોનું ખેસ પહેરાવી કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ તેમણે પોરબંદર નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.
ભાજપના પોરબંદર જિલ્લાના આઇટી સેલના કન્વીનર રાજવીર બાપોદરા ગુરુવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી જયેશ સંગાડા, આમ આદમી પાર્ટીના કિસાન સેલના ઉપાધ્યક્ષ રમશુ હઠીલા, પ્રદેશ મંત્રી શૈલેષ હઠીલા પણ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ રાજવીર બાપોદરાએ કહ્યું હતું કે, પોરબંદર નગરપાલિકામાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. ભાજપ અને આપ નેતાઓના કોંગ્રેસ પ્રવેશના કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ભ્રષ્ટાચાર આચરવા મુદ્દે પ્રહાર કર્યા હતા.