રાજકારણ@પોરબંદર: દિગ્ગજ નેતા જવાહર ચાવડા નવાજૂની કરે તેવા સંકેત, ભાજપનું સ્ટીકર ફાડ્યું

 
ભાજપ નેતા
જવાહર ચાવડાની આ હરકતથી રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપનો આંતરિક વિવાદ હજુ સુધી શાંત થઈ નથી રહ્યો. લોકસભાની ચૂંટણીએ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓને બોલતા કરી દીધા છે. વર્ષોથી શાંત પડેલો કકળાટ હવે બહાર આવી રહ્યો છે, અને નેતાઓ ખુલીને પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. લોકસભામાં સાઈડલાઈન કરાયેલા અનેક નેતાઓનો હવે ઉભરો ઠાલવી રહ્યાં છે. તેમાં વધુ એક નામ સામે આવ્યું છે, જવાહર ચાવડા. ગુજરાત ભાજપના રાજકારણમાં નવાજૂની થવાના સંકેત છે.

ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા નવા જુની કરે તેવી શક્યતા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સિમ્બોલ હટાવી દીધો છે. પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી અચાનક પોસ્ટ હટાવતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. સાથે જ તેમણે ભાજપની તમામ પોસ્ટ દૂર કરી દીધી છે.તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. ગત‌ લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં તેમની નિષ્ક્રીયતા સ્પષ્ટ દેખાઈ આવી હતી. ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના નવાજુની કરવાના મૂડમાં છે. તેમની આ હરકતથી રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તો સાથે જ શું તેઓ કોંગ્રેસની વાટ પકડશે તેવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યું છે.