કવાયત@ગુજરાત: અલ્પેશ ઠાકોરને લઈને સૌથી મોટા અપડેટ , ખુદ પાટીલે શુભેચ્છા સાથે આપ્યા મોટા સંકેત, જાણો શું કહ્યું ?

 
Alpesh Thakor

અટલ સમાચાર, પાટણ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રોજ નવી બાબતો સામે આવી રહી છે. તેવામાં વિધાનસભાની ચૂંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અલ્પેશ ઠાકોરના ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. 

ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડે અને જીતે તેવી શુભકામનાઓ પણ પાઠવી છે. સી.આર.પાટીલે જણાવ્યું કે, 'અલ્પેશભાઈ અમારા સિનિયર આગેવાન છે, તેઓ ચૂંટણી લડે અને સીટ પર વિજયી થાય એવી શુભેચ્છાઓ આપીએ છીએ. દરેક  પોત-પોતાના મત વિસ્તારમાં તૈયારીઓ કરતા હોય છે, અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે એવો અમને વિશ્વાસ છે.'  આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ટિકિટ આપવાનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે. 


શું કહ્યું હતું અલ્પેશ ઠાકોરે ? 

જોકે અલ્પેશ ઠાકોર માટે આ એક સારો સંકેત કહી શકાય કારણ કે અલ્પેશ ઠાકોરે તાજેતરમાં રાધનપુરમાં યોજાયેલા બનાસડેરીની મહિલા જાગૃતિ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારી છે.' આ બધાની વચ્ચે સી.આર પાટીલનું આ નિવેદન ઘણું બધુ કહી જાય છે. મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે  જણાવ્યું હતું કે, 'મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારી છે. જાન રંગેચંગે જોડાય અને તમે મુરતિયાને પરણાવો એવી વિનંતી કરું છું. મારાથી ભૂલચૂક થઇ હોય ક્યાય મનદુઃખ થયું હોય તો તમામ આગેવાનો મને માફ કરજો.' 

શું કહ્યું હતું શંકર ચૌધરીએ ? 

તો શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર ગઈ વખતે જાન લઈને આવ્યા, જાન માંડવે પહોંચી અને બાકી રહી ગયું છે.હવે આવુ અધૂરું ના રહે એ જોજો જરાં, તમારા બધાની જવાબદારી છે.