રાજકારણઃ આવનારી ચૂંટણી પહેલા ભારે હલચલ, હાર્દિક પટેલે WhatsApp DPમાં કેસરીયા ખેસવાળી તસવીર મૂકી

હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા ત્યારથી તેના વ્હોટ્સએપ નંબરમાં આ કોંગ્રેસના પંજાની નિશાનીવાળું ડીપી હતું અને એમાં લખ્યું હતું કે, 'હું લડીશ અને જીતીશ.'
 
hadeek

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના રાજકારણમાં આવનારી ચૂંટણી પહેલા ભારે હલચલ દેખાઇ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પોતાનો વ્હોટ્સએપ ડીપી બદલી નાંખ્યો છે. બે દિવસ પહેલા હાર્દિકે ડીપી પરથી કોંગ્રેસનો પંજો કાઢી નાંખ્યો હતો અને હવે કેસરી ખેસ પહેર્યો હોય તેવી તસવીર મુકી છે. ત્યારે ફરીથી ચર્ચાએ જોર પકડ્યુ છે કે, હાર્દિક ભાજપમાં જોડાઇ રહ્યો છે?હાર્દિક પટેલ હાલમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. ઘણી વખત હાર્દિકે જાહેરમાં પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે જાણે નવા વરની નસબંધી થઈ ગઈ હોય. અહીં તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે, તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાની સત્તા નથી. આ ઉપરાંત હાર્દિકે, ભાજપના વખાણ કરતા જણાવ્યુ હતુ કે, ભાજપમાં નિર્ણય શક્તિ સારી છે.

હાર્દિકે વ્હોટ્સ એપ પર ફોટો બદલ્યો છે પરંતુ ફેસબુક અને ટ્વિટરમાં પ્રોફાઈલ પિક્ચર પહેલાનું જ છે. ઈન્સ્ટાગ્રામમાં ફોર્મલ પિક્ચર જ રાખ્યું છે. હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા ત્યારથી તેના વ્હોટ્સએપ નંબરમાં આ કોંગ્રેસના પંજાની નિશાનીવાળું ડીપી હતું અને એમાં લખ્યું હતું કે, 'હું લડીશ અને જીતીશ.'

હાર્દિક પટેલે ગયા અઠવાડિયે જ પોતાને રામભક્ત ગણાવ્યા હતા. પોતાને રામ ભક્ત ગણાવતા હાર્દિકે કહ્યું હતું કે, મને હિન્દુ હોવાનો ગર્વ છે. હાર્દિક પટેલે તેના પિતાના મૃત્યુ સંસ્કાર પર ચાર હજાર ભગવદ ગીતાનું વિતરણ કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, અમે હિન્દુ ધર્મના છીએ અને અમને હિન્દુ હોવાનો ખૂબ જ ગર્વ છે. આ પછી ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પણ હાર્દિક પટેલના વખાણ કર્યા હતા. જેના કારણે હાર્દિકના ભાજપમાં જવાની અટકળોએ જોર પકડ્યું હતું.
 

 

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

2017માં કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં તેની ભૂમિકા મુખ્ય રહી છે. તે ગુજરાત કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે, છતાંપણ તેનુ કહેવું છે કે, હાલ પણ કોંગ્રેસમાં કોઈ મહત્વપૂર્ણ બેઠક કે નિર્ણયોમાં તેને સામેલ કરવામાં આવતો નથી. સમગ્ર મામલો કોંગ્રેસમાં પોતની પકડ મજબૂત કરવાનો છે અને આ વર્ષના અંતમાં ગુજરાતની ચૂંટણી પહેલા પોતાને મુખ્ય ભૂમિકામાં જોવાનો છે. તે ખુદ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માંગતો હતો. નરેશ કોંગ્રેસનો સીએમ ચહેરો પણ બની શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વાત હાર્દિકને વિચલિત કરી રહી છે. જેના કારણે હવે તે ખૂલીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યો છે.