રાજકારણઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ આખરે આજે BJPમાં સામેલ થયા, સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવ્યો

હાર્દિક પટેલને આવકારવા માટે બીજેપીના હેડ ક્વાર્ટર ખાતે ખાસ તૈયાર કરવામાં આવી હતી. હાર્દિક પહેલા સી.આર. પાટીલે પૂર્વ કૉંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને પાર્ટીમાં આવકાર્યાં હતા.
 
પટેલ

અચલ સમાચાર, ડેસ્ક

પાટીદાર નેતા હાર્દિક પટેલ આખરે બીજેપી (BJP)માં સામેલ થયા છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાર્દિકને ખેસરિયો ખેસ પહેરાવ્યો હતો, તો નીતિન પટેલે હાર્દિકને ટોપી પહેરાવી હતી. બીજેપીમાં સામેલ થયા પહેલા હાર્દિક પટેલે પોતાના ઘરે પૂજા કરી હતી. જે બાદમાં હાર્દિક પટેલ SGVP ગુરુકુળ પહોંચ્યા હતા. અહીં હાર્દિક પટેલે ગૌપૂજા કરી હતી. બીજી તરફ હાર્દિક પટેલને આવકારવા માટે બીજેપીના હેડ ક્વાર્ટર ખાતે ખાસ તૈયાર કરવામાં આવી હતી. હાર્દિક પહેલા સી.આર. પાટીલે પૂર્વ કૉંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને પાર્ટીમાં આવકાર્યાં હતા.

કૉંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કેસરિયો ખેસ અને ટોપી પહેરાવીને શ્વેતા બ્રહ્મભટ્ટનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શ્વેતા પટેલે જણાવ્યું હતું કે, "મેં કોઈ વચન માંગ્યું નથી. રાજકારણમાં જોડાવવું એ મારી મજબૂરી નથી, મારી પસંદગી છે. જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે તો હું જરૂરથી લડીશ. હું સેવા કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ છું. ટિકિટ મળવી અને ધારાસભ્ય બનવું એ બંને ગૌણ વસ્તુ છે. તમારો ઉદેશ્ય કામ હોવું જોઈએ. ધારાસભ્ય બની ગયા પછી પણ કામ નથી કરતા તો તે પદ કોઈ કામનું નથી. મારું વિઝન ખૂબ જ સ્પષ્ટ છે."


બીજેપીમાં જોડાતા પહેલા હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં મોટો દાવો કર્યો હતો. હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, દર 10 દિવસે હોદેદારો બીજેપીમાં જોડાશે. આ સાથે જ હાર્દિકે આગામી દિવસોમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો બીજેપીમાં સામેલ થશે તેવો દાવો કર્યો હતો.

બીજેપીમાં સામેલ થયા પહેલા યુવા નેતા હાર્દિક પટેલ ટ્વિટ કરીને રાષ્ટ્રહિત, તેમજ સમાજહિતની ભાવના સાથે નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યાની વાત લખી છે.


બીજેપીમાં સામેલ થયા પહેલા હાર્દિક પટેલે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું છે. જેમાં હાર્દિક પટેલે લખ્યું છે કે, "રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવના સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ."