રાજકારણઃ હાર્દિક પટેલ ભાજપમાં જોડાતાં SPGના પ્રમુખ લાલજી પટેલ દ્રારા નારાજગી વ્યક્ત કરવામાં આવી
લાલજી

અટલ સમાચાર, ડેસ્ક

અત્યારસુધી પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા સાથી મિત્રો ભાજપમાં ગયા છે, પણ પાટીદાર સમાજને ન્યાય મળ્યો નથી. તો શું હાર્દિક ભાજપમાં ગયા બાદ પાટીદાર સમાજને ન્યાય અપાવશે?આવનારા સમયમાં હું પત્ર લખી પાટીદાર સમાજના બંને પ્રશ્નોના નિકાલ લાવવાની માગ કરીશ. લાલજી પટેલે કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમયે અમે નક્કી કર્યું હતું કે અમારામાંથી કોઈ રાજનીતિમાં નહીં જાય. ત્યાર બાદ હાર્દિક કૉંગ્રેસમાં ગયા, હવે ભાજપમાં આવ્યા છે અને અહીંથી પણ અન્ય પાર્ટીમાં જશે. પાટીદાર સમાજ છેતરાઈ ગયો છે. સમાજનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે.
 

કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આજે વિજય મુહૂર્તમાં કેસરિયો ખેસ ધારણ કરી લેતાં એસપીજીના લાલજી પટેલ નારાજ થયા છે. લાલજી પટેલે હાર્દિકને સ્વાર્થી કહ્યો હતો અને કહ્યું હતું કે સમાજમાં બધાને ખબર પડી ગઈ છે કે આ માણસ પર વિશ્વાસ કરવા જેવો નથી.

હાર્દિક પટેલ ભાજપમાં જોડાતાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના પ્રમુખ લાલજી પટેલ દ્વારા ખૂલીને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હાર્દિક રાજકીય માણસ છે, હવે સમાજનો માણસ નથી. સમાજનું કામ હતું એ એમને એમ જ છે. પાટીદાર સમાજના યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાનો અને પાટીદાર સમાજના શહીદ થયેલા યુવાનોના પરિવારોને ન્યાય અપાવવાના મુદ્દા ઠેરના ઠેર છે.


અમારી સાથે હતો ત્યારથી હાર્દિક રાજકારણની વાત કરતો હતો. અમે એવું ગોઠવેલું હતું કે આગેવાને કોઈ રાજકીય પક્ષમાં જોડાવું નહીં. પહેલા SPG સાથે દગો કર્યો, ત્યાર બાદ પાસ સાથે દગો કરી કૉંગ્રેસમાં જોડાયો. તે હવે કૉંગ્રેસ છોડી આજે ભાજપમાં જોડાયો છે. પોતાના સ્વાર્થ માટે અલગ અલગ પાર્ટીઓ બદલી રહ્યો છે. પાટીદાર સમાજ એ વિદ્વાન સમાજ છે. બધાને ખબર પડી ગઈ છે કે આ માણસ પર વિશ્વાસ કરાય નહીં.