ચુંટણી 2022@ગુજરાત: કોંગ્રેસમાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોનો રાફડો ફાટયો, પક્ષે લીધો મોટો નિર્ણય
File Photo

અટલ સમાચાર , ડેસ્ક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. આ તરફ હવે કોંગ્રેસે પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. કોંગ્રેસમાં ચૂંટણી લડવા માટે અઢળક ઉમેદવારોના બાયોડેટા મળ્યા. જેને લઇ હવે કોંગ્રેસ દ્વારા બાયોડેટા આપવાની મુદતમાં વધારો કર્યો છે. 

ગુજરાત કોંગ્રેસમાં હવે ચૂંટણી લડવા માટેના મુરતિયાઓનું મંથન પણ શરુ થઇ ગયું છે. કોંગ્રેસમાં ચૂંટણી લડવા અઢળક બાયોડેટાઓ મળ્યા છે. 600થી વધુ મુરતિયાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. આ સાથે ચૂંટણી લડવા ઇચ્છુક માટે બાયોડેટા આપવાની મુદત પણ લંબાવાઈ છે. વરસાદના કારણે બાયોડેટા આપવાની મુદતમાં પણ વધારો કરાયો છે. સીટિંગ MLAની બેઠક પર મર્યાદિત બાયોડેટા મળ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને લઇ થોડાક દિવસો અગાઉ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની બેઠક યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટેના માપદંડ સહિતના જુદા-જુદા સૂચનો માટે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીના 42 સભ્યોએ ઉમેદવાર પસંદગી માટેના 130 જેટલા સકારાત્મક સૂચનો કર્યા હતા. જેમાં વિધાનસભા 2022ની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારોએ 12 સપ્ટેમ્બર સુધીમાં જીલ્લા કાર્યાલય ખાતે પોતાના બાયોડેટા મોકલી આપવાના તેવી જાહેરાત કરાઇ હતી. પરંતુ વરસાદના કારણે ચૂંટણી લડવા ઇચ્છુક લોકોના બાયોડેટા આપવાની મુદત પણ લંબાવાઈ છે.

જગદીશ ઠાકોર કહ્યું નવા યુવા ચહેરાઓને પણ ટિકિટ અપાશે 

થોડાક દિવસો પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ટિકિટ વિતરણમાં યુવાનો, મહિલાઓ તેમજ સ્વચ્છ છબી ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે કોઇ માપદંડ નહી, માત્ર જીતનો માપદંડ રહેશે. નવા યુવા ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવશે. 17 ની ચૂંટણીના જાણકાર લોકો અમને મળ્યા છે. યુવાન અને મહિલાઓ તેમજ વ્યક્તિ વિશેષને પણ ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસ મોટાભાગે લોકશાહીને માનવાવાળો પક્ષ છે. તેથી 182 વિધાનસભામાં જે કોઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હશે, તે બધાને ટિકિટ માંગવાનો રાઈટ્સ હશે. એવા ઉમેદવારોના જે કોઈ બાયોડેટા આવશે તેના પર ગુજરાત ચૂંટણી સમિતિ અને સ્ક્રીનિંગ કમિટી ચર્ચા વિચારણા કરશે. હાલના ધારાસભ્યો છે, તેમણે કોઈ બાયોડેટા આપવાનો રહેશે નહીં. કારણ કે તેઓ ધારાસભ્યો છે એટલે ટિકિટની માંગણીમાં તેમનો સમાવેશ છે એ ગણતરી સાથે કામ ચાલશે.