ઉત્તર ગુજરાતની કઈ પંચાયત-પાલિકામાં સત્તાપલટો કરવા મથામણ ચાલે છે
ઉત્તર ગુજરાતની કઈ પંચાયત-પાલિકામાં સત્તાપલટો કરવા મથામણ ચાલે છે

અટલ સમાચાર, ગિરીશ જોશી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલાં જ ઉત્તર ગુજરાતમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. જે પંથકમાં ભાજપ કે કોંગ્રેસનો દબદબો છે તેવા વિસ્તારોમાં ચોક્કસ રાજનીતિથી કામ શરૂ થયું છે. પંચાયત-પાલિકામાં સત્તા પલટો કરાવી રાજકીય પ્રભુત્વ વધારવા સભ્યો અને હાઇકમાન્ડ મથી રહ્યા છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની પંચાયત-પાલિકામા કોંગ્રેસ અને ભાજપની સત્તામાં મોટું અંતર છે. હવે લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાના હોવાથી ફરી એકવાર પંચાયત-પાલિકામાં સત્તા જમાવવા દાવપેચ શરૂ થયો છે.

કોંગ્રેસ કે ભાજપની પાતળી બહુમતી છે તેવી પંચાયત-પાલિકામાં રાજકીય હલચલ વધી ગઈ છે. પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ કે ભાજપના સભ્યોમાં આંતરિક નારાજગી છે ત્યાં વિરોધી પક્ષના સભ્યોને સુચના મળી રહી છે. આથી અવિશ્વાસની દરખાસ્ત આપવા સહિતના રાજકીય દાવ ખેલાઈ શકે છે.

આવી સ્થિતિમાં તાલુકા પંચાયત અને નગરપાલિકામાં શાસક પક્ષના સદસ્યોને સત્તા જાળવી રાખવાનું લેશન આવ્યું છે. આ સાથે તાલુકા કે જિલ્લા પાર્ટીના પ્રમુખો સત્તાપલટો કરાવી લોકસભા ટિકિટ મેળવવા મહેનતમાં લાગ્યા છે. લોકસભા ચૂંટણી પહેલાં ઉત્તર ગુજરાતની પંચાયત-પાલિકામાં રાજકીય ઉથલપાથલ થવાની પ્રબળ સંભાવના છે.