રાજકારણ@દેશ: આજથી દિલ્હીમાં કોંગ્રેસની 'ન્યાય યાત્રા' શરૂ, 70 વિધાનસભાને આવરી લેવામાં આવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હી વિધાનસભા ચૂંટણીને હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યા છે, એવામાં કોંગ્રેસે ચૂંટણી લડવા માટેની પોતાની તૈયારી વધારી દીધી છે. એવામાં રાહુલ ગાંધીની 'ભારત જોડો' યાત્રાથી પ્રેરિત 'દિલ્હી ન્યાય યાત્રા' આજથી રાજઘાટથી કોંગ્રેસ દ્વારા શરુ કરવામાં આવશે. 'દિલ્હી ન્યાય યાત્રા'નો ઉદ્દેશ્ય છેલ્લા એક દાયકાથી દિલ્હીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી સરકારની નીતિઓની ટીકા કરીને લોકોને કેન્દ્રમાં રાખવાનો છે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓનું ધ્યાન પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓના અભાવ જેવા મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીની સરકારને ઘેરવા પર રહેશે.
આ ન્યાય યાત્રામાં 70 વિધાનસભાને આવરી લેવામાં આવશે, તેમજ આ યાત્રા એક મહિના સુધી ચાલશે. જે દરમિયાન 360 કિમીનું અંતર કાપવામાં આવશે. જેનું નેતૃત્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ કરશે.આ યાત્રામાં દરરોજ 20-25 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. યાત્રા દરરોજ સવારે 8 વાગ્યાની આસપાસ શરૂ થશે અને બપોરના ભોજન તેમજ ચા માટે વિરામ રહેશે. એક દિવસ, એક બેઠક સાથે સમાપ્ત થશે અને 250-300 સ્થાયી યાત્રી સાંજે કેમ્પમાં રોકાશે. એક મહિના સુધી ચાલનાર આ યાત્રા 4 તબક્કામાં યોજાશે. આ યાત્રા બાબતે દેવેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, 'આ યાત્રા 8 નવેમ્બરે શરૂ થશે અને તમામ 70 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે.
આ યાત્રા દ્વારા અમે દિલ્હીના નાગરિકોની સમસ્યાઓને ઉજાગર કરીશું અને સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરીશું. 'આજે યાત્રા બપોરે 1 વાગે રાજઘાટથી શરૂ થશે અને જૂની દિલ્હીના તુર્કમાન ગેટ અને બલ્લીમારન જેવા વિસ્તારોમાંથી પસાર થશે. પહેલા જ દિવસે કોંગ્રેસની નજર છેલ્લી બે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રદર્શન કરીને કોંગ્રેસને હરાવ્યું હતું એવા લઘુમતી પ્રભુત્વવાળા વિસ્તારો પર હશે. કોંગ્રેસ અને AAP બંને ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે અને લોકસભા ચૂંટણીમાં બંને પક્ષોએ સાથે મળીને દિલ્હીમાં ચૂંટણી લડી હતી. એકપણ બેઠક જીતી ન હતી. હવે કોંગ્રેસ આ ન્યાય યાત્રા દરમિયાન આપ સરકારની ટીકા કરશે. એવામાં કોંગ્રેસ પ્રદૂષણથી લઈને યમુના સફાઈ સુધીના મુદ્દાઓ પર
આતિશી સરકાર પર સીધો પ્રહાર કરી રહી છે. 'દિલ્હી ન્યાય યાત્રા' માટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓને આ યાત્રામાં જોડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એવી શક્યતા છે કે ખડગે અને રાહુલ ગાંધી એક મહિનાની યાત્રા દરમિયાન ગમે ત્યારે જોડાઈ શકે છે.