રાજનીતિ@દેશ: પ્રિયંકા ગાંધી ગુજરાતની આ બેઠક પરથી લડી શકે છે લોકસભા ચૂંટણી

 
પ્રિયંકા ગાંધી

દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપે 15 લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કરીને મોટો ઘડાકો કરી દીધો છે. હજી પણ 11 બેઠક માટેના ઉમેદવાર જાહેર થવાના બાકી છે. જ્યારે કોંગ્રેસ કોની ટિકિટ આપશે તે હજી દૂર દૂર સુધી દેખાઈ નથી રહ્યું. પરંતુ આ વચ્ચે એક મોટી ખબર આવી છે. 

 

પ્રિયંકા ગાંધી દમણ-દીવથી ચૂંટણી લડી શકે છે. તેઓ દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે તેવો દાવો દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે કર્યો છે. કેતન પટેલે જણાવ્યો કે, કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડાવવા માટે તૈયારી થઈ રહી છે. દમણ દીવ બેઠકથી તેઓ ગાંધી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને પણ મોટી અસર થશે. દમણને કારણે દક્ષિણ ગુજરાતની બેઠકો પર પણ કોંગ્રેસને ફાયદો થશે. દીવને કારણે સૌરાષ્ટ્રની બેઠકો પર પણ અસર થશે.દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો પાયો મજબૂત છે.

 

એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને બીજી તરફ પ્રિયંકા ગાંધીના મેદાનમાં આવતા જ ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે. કેતન પટેલે પ્રિયંકા ગાંધીને દેશના ભાવિ વડાપ્રધાન પણ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, દમણ દીવ બેઠક પરથી ચૂંટણી જીતી તેઓ દેશના ભાવિ વડાપ્રધાન પણ બની શકે છે.