રાજકારણ@દેશ: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન

 
ચૂંટણી
ગ્રામીણ વિસ્તારોમાં 2,974 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે બુધવારે મતદાન શરૂ થયું છે. અહીંના મતદારો 10 વર્ષમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં  પ્રથમ તબક્કાના મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણી માટે મતદાન સાંજે 6 વાગ્યે ખતમ થશે. જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લા અને કાશ્મીર ખીણના 4 જિલ્લાની કુલ 24 બેઠકો પર મતદાન શરૂ થયું છે.

પ્રથમ તબક્કાના મતદાનમાં 90 અપક્ષ સહિત 219 ઉમેદવારો માટે 23 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કાના મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.આજે જ્યાં મતદાન છે  તેમાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયાં, ડીએચ પોરા, કુલગામ, દેવસર, ડોરુ, કોકરનાગ, અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ, પહેલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર-નાગસેની, ભદ્રવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં કુલ 23,27,580 મતદારો મતદાન કરવા માટે લાયક છે, જેમાંથી 11,76,462 પુરૂષો, 11,51,058 મહિલાઓ છે. આ સાથે 60 ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર, પ્રથમ તબક્કામાં 18 થી 19 વર્ષની વયના 1.23 લાખ યુવાનો, 28,309 દિવ્યાંગ મતદારો અને 85 વર્ષથી વધુ ઉંમરના 15,774 વૃદ્ધ મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. શહેરી વિસ્તારોમાં 302 અને ગ્રામીણ વિસ્તારોમાં 2,974 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. દરેક મતદાન મથક પર પ્રિસાઇડિંગ ઓફિસર સહિત ચાર ચૂંટણી કર્મચારીઓ તૈનાત છે.