રાજકારણ@ગુજરાત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું
ખેડુતોના પ્રશ્ને લડત આપનાર નેતાએ અચાનક રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપને ફટકો મળ્યો છે. આપ પાર્ટીના પ્રદેશ કિસાન સંગઠનના અધ્યક્ષ રાજુ કરપડાએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાજીનામું આપ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લા સહિત રાજ્યભરના ખેડુતોના પ્રશ્ને લડત આપનાર નેતાએ અચાનક રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો છે.રાજુ કપરાડાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાજીનામું આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જય કિસાન સાથીઓ, દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે.! પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણી ને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતોનો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું...!
આ અંગે ઇસુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે, આજે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનું રાજીનામું મળ્યું છે. મારી વાત નથી થઈ પરંતુ એટલું ચોક્કસ કહીશ કે તેમણે હળદરથી લઇને ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા. જેમાં ખેડૂતોને પણ ઉમ્મીદ જાગી હતી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, ખેડૂતોને આમ આદમી પાર્ટી અને તેમના નેતાઓ પર સંપૂર્ણ ભરોસો છે. રાજુભાઈ સાથે શું થયું છે તે મને હજી નથી ખબર પડી પરંતુ તે બે દિવસ પહેલા જ મારા ઘરે કાર્યક્રમમાં આવ્યા હતા. જ્યાં 10થી 12 હજાર લોકો જેમાં ખેડૂતો અને ખેડૂત નેતાઓ વચ્ચે સન્માન પણ કર્યુ હતુ. રાજુભાઈ ખૂબ મજબૂત નેતા છે, ખૂબ સંઘર્ષ કર્યો છે અને લોકો માટે લડ્યા છે.ગત ઓક્ટોબર મહિનામાં અમદાવાદ સ્થિત AAPના કાર્યાલય ખાતે રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના નેતાઓ કડદાપ્રથાના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે ઉપવાસ પર બેસવાના હતા. સમગ્ર મામલે સ્થળ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

