રાજકારણ@ગુજરાત: ભાજપના વધુ એક ધારાસભ્યએ પક્ષને મુંઝવણમાં મૂક્યો, જાણો વિગતે
Jul 15, 2024, 10:02 IST
![મુખ્યમંત્રી](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/af2b0a5cd0d75b697dcd5a58a0200da4.jpg)
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માંગ કરી હતી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે કોળી સમાજે પાટનગરમાં બેઠક યોજીને રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કર્યુ છે. આ બેઠક બાદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ આડકતરું સમર્થન આપતાં કહ્યું કે, જો કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આનંદની વાત છે.
ચાર-પાંચ દિવસ પહેલાં જ કોળી- ઠાકોર વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માંગ કરી હતી. આ રાજકીય વિવાદની આગ ઠરી નથી ત્યારે આજે પાટનગર ગાંધીનગરમાં કોળી સમાજની એક બેઠક મળી હતી. આ બેઠક બાદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ કોળી નેતાને મુખ્યમંત્રી બનાવાય તે વાતને આડકતરી રીતે સમર્થન આપતાં કહ્યું કે, જો કોળી ધારાસભ્યને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો કોળી સમાજ માટે આનંદની વાત છે.