રાજનીતિ@ગુજરાત: કોંગ્રેસના બંને નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર
રાહુલ ફરી એકવાર કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી લડવાના છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તૈયારીમાં વ્યસ્ત છે. એક પછી એક બેઠકોની જાહેરાત થઈ રહી છે. આજે એટલે કે શનિવારે ચૂંટણી પંચ તારીખોની પણ જાહેરાત કરવા જઈ રહ્યું છે, ત્યારબાદ ચૂંટણીને લઈને ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ તે પહેલા ગાંધી પરિવાર વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાંધી પરિવારે અમેઠી અને રાયબરેલીથી પોતાને દૂર કરી લીધા છે અને પરિવારનો કોઈ સભ્ય આ પરંપરાગત બેઠકો પરથી આગામી ચૂંટણી લડશે નહીં.સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના બંને નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે.તેમનું માનવું છે કે જો તેઓ અમેઠી અને વાયનાડ એમ બે જગ્યાએથી ચૂંટણી લડ્યા અને બંને જગ્યાએથી જીત્યા તો પછી તેમણે એક સીટ છોડવી પડશે, જે ખોટું હશે અને લોકોમાં ખોટો સંદેશ જશે. રાહુલનું માનવું છે કે જો તે જીતીને અમેઠી છોડી દેશે તો અમેઠીના લોકો કહેશે કે છેલ્લી વખત હાર્યા બાદ આ વખતે અમે જીતાડ્યાં તો પણ અમને છોડી ગયા.