રાજકારણ@દેશ: આ રાજ્યમાં મુખ્યમંત્રી બદલાવાની અટકળો, કોણ કોણ છે રેસમાં? જાણો
પાર્ટી નેતાઓનો એક ગ્રુપ ખડગેનું નામ આગળ કરી રહ્યું છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને બદલવાની અટકળો થઇ રહી છે. તેને લઇને પાર્ટીએ હજુ ઓફિશિયલ કઇ કહ્યું નથી. કોંગ્રેસ હાઇકમાન પણ કર્ણાટકમાં સક્રિય થઇ ગયું છે. કહેવામાં આવે છે કે રાજ્યના કેટલાક નેતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામ પર પણ ભાર મુકી રહ્યાં છે.કોંગ્રેસ હાઇકમાન વિવાદથી બચવા માટે સર્વસમ્મતિથી ઉમેદવાર પસંદ કરવાની યોજના બનાવી રહ્યું છે.
વિપક્ષ તરફથી પણ મુખ્યમંત્રી બદલવાનું દબાણ બનાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, પાર્ટીએ આ વાત પર હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી કે સિદ્ધારમૈયાની જગ્યાએ રાજ્યની કમાન નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને સોપવામાં આવે અથવા કોઇ પછાત વર્ગના નેતાને તક આપવામાં આવે.સિદ્ધારમૈયાની જગ્યાએ કર્ણાટકના મુખ્યમંત્રી બનવાની રેસમાં શિવકુમારનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ હાઇકમાન પછાત વર્ગને સાધવા માટે પછાત વર્ગના જ ઉમેદવારને પદ આપવાની સંભાવના તપાસી રહ્યું છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે પાર્ટી નેતાઓનો એક ગ્રુપ ખડગેનું નામ આગળ કરી રહ્યું છે.
બીજી તરફ એક જૂથ PWD મંત્રી સતીશ જરકિહોલી જેવા નેતાઓને આગળ કરી રહ્યું છે. સીનિયર નેતાઓ સાથે મુલાકાત માટે જરકિહોલી નવી દિલ્હી પહોંચ્યા હતા. આ સાથે જ અટકળો છે કે પાર્ટી તેમને તક આપવાનું મન બનાવી રહી છે. કહેવામાં આવે છે કે તેમની પાસે 30થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે જેમાં 15 અનુસૂચિત જનજાતિ સમાજમાંથી આવે છે, તેમના પરિવારમાં ત્રણ ધારાસભ્ય, એક MLC અને એક સાંસદ પણ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પણ જરકિહોલી પરિવાર સાથે નજીકના સંબંધ છે. પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે જો પાર્ટી સિદ્ધારમૈયાની સહમતિ લે છે તો જરકિહોલી તેમની પસંદ બની શકે છે.