તપાસ@વલસાડ: વનવિભાગના અધિકારી વિરુદ્ધની ફરિયાદમાં અન્ય એક વ્યક્તિનું નામ, શોધખોળ કરવાની નોબત

 
વલસાડ
રોજમદારોએ મહિલા ડીસીએફ વિરૂદ્ધ જે માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

વલસાડ ઉત્તર વનવિભાગના મહિલા ડીસીએફ નિશા રાજ વિરૂદ્ધની ફરિયાદમાં તપાસ કેમ કરીને પૂરી થાય તેની મુંઝવણ ઉભી થઇ છે. છેક 2022 માં રોજમદારોએ કરેલી માનસિક ત્રાસની ફરિયાદ હજુ તપાસ હેઠળ છે પરંતુ નવો મોડ ઉભો થાય તેવી નોબત છે. રોજમદારોની ફરિયાદમાં મહિલા વન અધિકારી સાથે અન્ય એક વ્યક્તિનું પણ નામ હોવાનું સામે આવ્યું છે. હવે આ વ્યક્તિ કોણ છે, ક્યાં છે, નિવેદન લેવું કે કેમ, લેવું તો કેવી રીતે આ વ્યક્તિને શોધવો આ બધી દોડધામ થાય તેવી શક્યતા છે. તપાસ અધિકારી ડીસીએફ પુવારે જણાવ્યું કે, હા, એક વ્યક્તિનું નામ છે પરંતુ એ હવે તપાસમાં જોવું પડશે. તપાસ અધિકારી માટે સૌથી મોટો મુદ્દો નિવેદનો લેવાનો છે તો કેવી રીતે નિયમાનુસાર તપાસ પૂર્ણ થાય છે તેની ઉપર નજર બની છે. જાણીએ કોણે કેવી કરી છે ફરિયાદ અને તેની પૂરી ઘટના.


વલસાડ ઉત્તર વનવિભાગના મહિલા ડીસીએફ નિશા રાજને બંગલે કેટલાક રોજમદારો કામ કરે છે. હાલમાં છે તે સિવાયના પણ કેટલાક રોજમદારો મહિલા ડીસીએફના બંગલે કામ કરતાં હતા. વર્ષ 2022 દરમ્યાન કેટલાક રોજમદારોએ મહિલા ડીસીએફ વિરૂદ્ધ જે માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી તેમાં અન્ય એક વ્યક્તિનું નામ હોવાનું સામે આવ્યું છે. હવે તપાસ અધિકારી માટે મોટી મુંઝવણ બની શકે કે, સદર વ્યક્તિ કોણ છે અને તેનું નિવેદન મેળવવું કે નહી અથવા કેવી રીતે મેળવવું? આ બાબતે તપાસ અધિકારી દક્ષિણ વલસાડ ડીસીએફ પુવારે જણાવ્યું કે, એ વ્યક્તિનુ નામ છે પરંતુ આખી તપાસ પ્રક્રિયા પૂર્ણ થાય પછી વિગતો આપી શકાય. જરૂરી લાગશે તો સીસીએફનુ માર્ગદર્શન મેળવીશુ અને તપાસ આગામી 15 દિવસમાં પૂર્ણ થાય તેવો પ્રયાસ છે. વાંચો નીચેના ફકરામાં બધું જ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રોજમદારોની ફરિયાદમાં ખૂબ જ ચોંકાવનારા આક્ષેપો છે. હવે આ આક્ષેપો બાબતે તપાસ અધિકારીએ જણાવ્યું કે, મોટાભાગના રોજમદારોએ માનસિક ત્રાસની પુષ્ટિ કરી નથી. આ તરફ સીસીએફ મનીશ્વરાએ જણાવ્યું કે, રોજમદારોના આક્ષેપમાં તથ્ય હશે અને યોગ્ય લાગશે તો જ મહિલા ડીસીએફનુ નિવેદન લેવાય અથવા તપાસ માટે જરૂરી કામગીરી થાય. આવી સ્થિતિમાં એક એવો પણ સવાલ છે કે, સરેરાશ 10 રોજમદારોની માનસિક ત્રાસની ફરિયાદમાં જો મોટાભાગના નિવેદન ત્રાસ નથી તેવું જણાવે તો મહિલા ડીસીએફ અને એક વ્યક્તિના નિવેદનની શક્યતા કેટલી? બીજું કે, મહિલા ડીસીએફ અને એક વ્યક્તિના નિવેદનની જરૂરિયાત તપાસ અધિકારી અથવા સીસીએફ સિવાય કોઈ નક્કી કરી શકે તેમ પણ નથી.