કાર્યવાહી@આણંદ: તલાટી મંત્રીના નકલી રબર સ્ટેમ્પ બનાવી લોકોને લોન અપાવવાનું કૌભાંડ
ગેરકાયદેસર રીતે રબર સ્ટેમ્પ બનાવી તેનો ગેરકાયદેસર ઉપયોગ કરતો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આણંદનાં પેટલાદ શહેરમાં જુદી જુદી ગ્રામ પંચાયતોનાં તલાટી કમ મંત્રીનાં નકલી રબર સ્ટેમ્પ બનાવી બનાવટી દસ્તાવેજો બનાવી લોન મેળવવા ઈચ્છુક લોકોને આપી અત્યાર સુધીમાં 34થી વધુ ગ્રાહકોને બેંકમાથી લોન અપાવી ઉંચી રકમનું વળતર મેળવનાર ભેજાબાજને પેટલાદ ટાઉન પોલીસે ઝડપી પાડી તેની પાસેથી નકલી રબર સ્ટેમ્પ કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરી છે. દંતાલી રોડ ઉપર આવેલ સચ્ચિદાનંદ ટાઉનશીપના મકાન નંબર 67 મા ભાડુઆત તરીકે રહેતો રૂષિલ મહેન્દ્રભાઈ પટેલ પોતાના ઘરે રબ્બર સ્ટેમ્પ બનાવવાનુ મશીન રાખી કોઇપણ અધિકૃત પ્રમાણિત પરવાનગી વગર ગેરકાયદેસર રીતે રબર સ્ટેમ્પ બનાવી તેનો ગેરકાયદેસર ઉપયોગ કરતો હોવાની બાતમીનાં આધારે પેટલાદ ટાઉન પોલીસે છાપો મારી મકાનમાં હાજર વસોનાં રૂષિલ મહેન્દ્રભાઈ પટેલ ની અટકાયત કરી.
મકાનની તલાસી લેતા મકાનમાંથી એક લેપટોપ, પ્રિન્ટર તેમજ રબર સ્ટેમ્પ બનાવવાનુ પોલીમર સ્ટેમ્પ યુનિટ મશીન મળી આવ્યું હતું. તેમજ ટેબલના ડ્રોઅરોમાંથી અલગ-અલગ ગ્રામપંચાયત અને તલાટી કમ મંત્રીઓના નામના 25 નંગ બનાવટી રબર સ્ટેમ્પ તથા રબર સ્ટેમ્પ બનાવવાની સામગ્રી મળી આવી હતી.રૂષિલ મહેન્દ્રભાઈ પટેલ આ બનાવટી સ્ટેમ્પ નો ઉપયોગ લોન મેળવવા માટે કાયદેસર સક્ષમ ન હોય તેવા ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને અલગ-અલગ બેંકોમાથી લોન મંજુર કરાવવા માટે કરતો હોવાનું બહાર આવ્યું છે.
રૂષિલ પટેલે પોલીસ સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું છે કે, તે પોતાનાં ઘરે જ પોલીમર મશીન દ્વારા અલગ- અલગ ગ્રામ પંચાયતના ખોટા રબ્બર સ્ટેમ્પો બનાવી, પોતાનાં લેપટોપમા ડાઉનલોડ કરેલ કોરલ ડ્રો અને ફોટો શોપ અને માઈક્રોસોફ્ટ એક્સલ સોફટવેરનો ઉપયોગ કરી ગ્રાહકોના નામના ગ્રામ પંચાયતના ડોક્યુમેન્ટ, આકારણી પત્રકો તથા વેરા પાવતીમા ખોટી વિગતો લખી, તેની પ્રિન્ટો કાઢી તેના ઉપર ગેરકાયદેસર રીતે બનાવેલ રબ્બર સ્ટેમ્પ મારી નકલી બનાવેલા ડોક્યુમેન્ટમાં ઉપયોગ કરી, તેના ઉપર પોતે ખોટી સહિઓ કરી અલગ-અલગ બેંકોમાથી ગ્રાહકોના નામે લોન અપાવી તેના બદલામા ગ્રાહકો પાસેથી ઉંચી રકમનુ વળતર મેળવતો હતો. તેમજ તેણે અત્યાર સુધીમાં 34 થી વધુ ગ્રાહકોને બનાવટી દસ્તાવેજના આધારે લોન અપાવીને તેમની પાસેથી ઉંચી રકમનું કમિશન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. કુલ રૂપિયા 29,180 નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા રૂષિલ મહેન્દ્રભાઈ પટેલ વિરૂધ્ધ બી.એન.એસ. અધિનિયમની કલમ 336(2), 336(3), 337, 338, 339, 340 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(સી) મુજબનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.