કાર્યવાહી@ગાંધીનગર: મુંબઈમાં મિલકત ખરીદીના નામે રૂપિયા 2 કરોડની છેતરપિંડી, જાણો વધું
બનાવટી ટોકનથી આંગડિયામાંથી રકમ ઉપાડી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિંમતનગરના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી સાથે મુંબઈમાં મિલકત ખરીદીના નામે રૂપિયા 2 કરોડની છેતરપિંડી થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આંગડિયા પેઢીના કર્મચારીઓ, મુંબઈના દલાલો સહિત કુલ 11 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ દ્વારા સમગ્ર મામલે આંતરરાજ્ય સ્તરે ચાલતી સંગઠિત ઠગાઈની શક્યતા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં ઓમ ડેવલોપર્સ અને અથર્વ મિનરલ્સ નામે વ્યવસાય કરતા બિલ્ડર ઘનશ્યામસિંહ ભાટી મુંબઈમાં નવી મિલકત ખરીદવા ઇચ્છતા હતા. આ દરમિયાન તેમના મુંબઈ સ્થિત મિત્ર મારફતે મિલકત દલાલ આશીષ સીંગ અને અરુણકુમાર સાથે પરિચય થયો હતો. દલાલોએ મુંબઈમાં ફાયદાકારક મિલકત હોવાનું જણાવી રોકાણ માટે તેમને તૈયાર કર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.1 સપ્ટેમ્બરના રોજ આશીષ સીંગે બિલ્ડરને ફોનકરીને મુંબઈમાં રોકડ લઈ જવામાં જોખમ હોવાનું કહી ગાંધીનગરથી મુંબઈ માટે રૂપિયા 2 કરોડનું સેલ્ફ આંગડિયું કરાવવાની સલાહ આપી હતી. ત્યારબાદ દલાલ મારફતે રાહુલ નામના વ્યક્તિનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો. રાહુલે મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢી મારફતે ગાંધીનગરના સેક્ટર-3/એમાં આવેલી શ્રી રાધે આંગડિયા પેઢીનું સરનામું આપ્યું હતું. ત્યારબાદ બિલ્ડર પોતાના મિત્રો સાથે ગાંધીનગર પહોંચ્યા હતા.રાહુલે વોટ્સએપપર 10 રૂપિયાની નોટના ટોકન નંબરનો ફોટો મોકલી કન્ફર્મેશન કરાવ્યું હતું. આ ટોકનના આધારે બિલ્ડરે આંગડિયા પેઢીમાં રૂપિયા 2 કરોડ રોકડા જમા કરાવ્યા હતા. સેલ્ફ વિડ્રોઅલ કન્ફર્મેશન માટે 10 રૂપિયાની નોટ પણ સોંપવામાં આવી હતી.
બીજા દિવસે મુંબઈમાં આંગડિયું પહોંચ્યું છે કે નહીં તેની માહિતી મેળવવા માટે રાહુલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેનો ફોન બંધ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. શંકા જતા બિલ્ડરે ગાંધીનગરની આંગડિયા પેઢીમાં તપાસ કરી હતી.ફરિયાદ મુજબ, આંગડિયા પેઢીના કર્મચારીએ બિલ્ડરને જણાવ્યું કે રૂપિયા 2 કરોડની રકમ અગાઉના દિવસે જ મુંબઈની ભુલેશ્વર શાખામાંથી ઉપાડી લેવામાં આવી હતી. બિલ્ડરે કન્ફર્મેશન વિના રકમ અન્ય વ્યક્તિને કેવી રીતે આપવામાં આવી તે અંગે સવાલો ઉઠાવ્યા હતા.
ત્યારબાદ બિલ્ડર મુંબઈની કાલબાદેવી શાખા ખાતે પહોંચ્યા હતા. ત્યાં કર્મચારી પાસેથી જાણવા મળ્યું કે સુરત હેડ ઓફિસના ધવલ પટેલ મારફતે ટોકન મેળવ્યા બાદ બે અજાણ્યા વ્યક્તિઓ અલગ ટોકન લઈને આવ્યા હતા અને આંગડિયા ચાર્જ કાપીને રૂપિયા 2 કરોડની રકમમાંથી બાકી રકમ લઈ ગયા હતા.બિલ્ડરે આંગડિયા પેઢીના CCTV ફૂટેજની તપાસ કરતાં સફેદ શર્ટ અને ટોપી પહેરેલો એક શખ્સ રકમ લઈ જતો જોવા મળ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ ફૂટેજ દલાલ આશીષ સીંગને બતાવવામાં આવતા તેણે રકમ લઈ જનાર વ્યક્તિ સંજય પટેલ હોવાનું જણાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, સંજય પટેલ આશીષ પટેલની ઓફિસમાં કામ કરતો હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ આરોપીઓએ મુંબઈમાં આ પ્રકારની રીતે લોકો પાસેથી નાણાં પડાવતી ગેંગ સક્રિય હોવાની વાત કરી બિલ્ડરને નાણાં ભૂલી જવા માટે ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. સમગ્ર મામલે ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં આશીષ સીંગ, અરુણકુમાર, રાહુલ, યુવરાજસિંહ રાણા, ધવલ પટેલ, અજીતસિંહ ઝાલા, આશીષ પટેલ, સંજય પટેલ, મયુર પટેલ, મનોજ ભલાલા અને ભરત નામના કુલ 11 લોકો સામે ગુનો નોંધાયો છે.

