કાર્યવાહી@ગોંડલ: સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 69 લાખનો મુદ્દામાલ જપ્ત, 9ની ધરપકડ

 
કાર્યવાહી
દરોડામાં 32 હજાર લિટર ડીઝલ સહિત 69 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગોંડલ પંથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પુરવઠા વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં 32 હજાર લિટર ડીઝલ સહિત 69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા 69 લાખના મુદ્દામાલ સાથે 9ની ધરપકડ કરવામાં આવી છે અને હજી બીજા 5 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગોંડલ બાયોડીઝલના ગેરકાયદે ધંધા માટે પ્રચલિત માનવામાં આવે છે. જેથી આ પહેલા પણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

જેમાં માલિક ગોંડલના ગિરીશ હસંખભાઈ ઠાકર, રાજકોટના મૌલિક હસમુખભાઇ વ્યાસ, કર્મચારી કાગવડના પ્રકાશ હરેશભાઈ ભેડા, ગોંડલનો કર્મચારી ચંદન દિલીપભાઇ પાડલીયા, ટ્રક ડ્રાયવર રાજકોટનો સબિર યુસુફભાઈ ઘાડા અને અન્ય ટ્રક ડ્રાયવર જેતપુરના અદામ સુમરાભાઈ દોઢિયાંની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ બાયોડીઝલના સપ્લાયર રાજકોટના કમલેશ ગણાત્રા, રાજકોટ કુવાડવા રોડ ઉપર રહેતા હસમુખ ઉર્ફે ભાણાભાઈ બહાદુરભાઈ વ્યાસ અને જુનાગઢના સોએબ ઉર્ફે અચુ સલીમભાઈ સોલંકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

તેમજ બીજા દરોડામાં ગોંડલના પમ્પ માલિક ભરત ભુદરજી બકરાણીયા, વેચાણ કરનાર કર્મચારી સાવન રજનીકાંત સુરેજા અને ટેન્કર ડ્રાઈવર અકીલ સતાર બિલખિયાને દબોચી લઈ બાયોડિઝલ સપ્લાયર રાજકોટના કમલેશ ગણાત્રા અને અમદાવાદના સપ્લાયર મોહંમદ તૌફિક મેમણની શોધખોળ હાથ ધરી છે.