કાર્યવાહી@રાજકોટ: લોકરક્ષક એએસઆઈ બુટલેગર પાસેથી રૂ.40 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

 
લાંચ
એસીબીની ટીમે લોકરક્ષકને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ તાબાના સુલતાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતો લોકરક્ષક એએસઆઈ બુટલેગર પાસેથી રૂ.40 હજારની લાંચ લેતાં એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. બુટલેગરને માર નહીં મારવા અને પાસા પ્રપોઝલ નહીં કરવાંના ભાવ નક્કી થયાં હોવાનું ખુલ્યું છે. સુલતાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતાં એએસઆઈ પુરણચંદ્ર કલુરામ સૈનીએ એક બુટલેગરને દારૂની એક બોટલ સાથે પકડી પાડ્યો હતો અને વધું તપાસ પણ તેમની પાસે હતી.

બાદમાં પકડાયેલ બુટલેગરે તેમને માર નહીં મારવા તેમજ તેમના વિરુદ્ધ પાસા પ્રપોઝલ નહીં કરવા માટે વાત કરતાં એએસઆઈની દાઢ ડળકી હતી. તેમને રૂ.40 હજારમાં માર નહીં મારવા તેમજ તેમના વિરુદ્ધ પાસા પ્રપોઝલ નહીં કરવાનું નક્કી થયું હતું. બાદમાં એએસઆઈ પુરણચંદ્ર રજા પર ઉતરી ગયાં હતાં અને લાંચ લેવાં માટે તેના રાઈટર એવાં લોકરક્ષક શિવભદ્રસિંહ સરદારસિંહ વાધેલાને કહ્યું હતું.

ત્યારે બુટલેગરને લાંચ આપવી ના હોય જેથી એસીબીનો સંપર્ક કરતાં ડીવાયએસપી કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એસીબી પીઆઈ જે.એમ.આલની રાહબરીમાં ટીમે ટ્રેપ ગોઠવી લોકરક્ષક શિવભદ્રસિંહને રૂ.40 હજાર લાંચ પેટે બુટલેગરે આપ્યાં બાદ એએસઆઈ સાથે ફોનમાં વાત પણ કરાવી હતી અને ત્યારે જ એસીબીની ટીમે લોકરક્ષકને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે રજા પર રહેલ એએસઆઈ પુરણચંદ્રને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.