કાર્યવાહી@સુરત: કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવીને આચરવામાં આવતાં કૌભાંડનો પર્દાફાશ
બોગસ સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ થતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોર્પોરેટરના નકલી સહિ સિક્કા બનાવીને આચરવામાં આવતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. સિંગણપોર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. આધારકાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરનારને ઝડપી લેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં, પરંતુ મધ્યપ્રદેશના સરનામાના પણ આધારકાર્ડ માટે બોગસ સહી-સિક્કા વાપરવામાં આવ્યા હોય તે જાણવા મળ્યું છે.
ડભોલી ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ચીમન પટેલના નામના સહિ- સિક્કા અને નલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડમાં સરનામું બદલવાનો ગોરખધંધો ધમધમી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અખંડ આનંદ કોલેજ પાસે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમાંશુ કુશવાહ દ્વારા કોર્પોરેટર ચીમન પટેલની જાણ બહાર તેમની સહિ-સિક્કાનો નમુનો મેળવીને બોગસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કરવામાં આવતો હતો.
હાલમાં જ મુળ ઓરિસ્સામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા જયંત ગન્તાયતની સાથે કાનુ કાળુ ચરણપોલાઈ ઓરિસ્સામાં ચાલતી સુભદ્રા યોજના માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે હિમાંશુ કુશવાહની ઓફિસે પહોંચ્યા હતા.હિમાંશુ કુશવાહ દ્વારા સ્થાનિક કોર્પોરેટર ચીમન પટેલના બોગસ સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરી આપતાં સમગ્ર ઘટના અંગેની જાણ ચીમન પટેલને થવા પામી હતી. પોલીસ દ્વારા આરોપી દ્વારા અન્ય કેટલા નાગરિકોના આધારકાર્ડ અપડેટ કરવામાં આવ્યા છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.