કાર્યવાહી@વડોદરા: દૂધમાં ગટરના પાણીની ભેળસેળનો કિસ્સો સામે આવ્યો, ડેરીએ પોલીસ ફરિયાદ નહિ નોંધાવતા વિવાદ

 
વડોદરા
લોક આરોગ્યની રક્ષા માટે સમયાંતરે સેમ્પલિંગ અને ચકાસણી થવી અનિવાર્ય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગ્રામીણ દૂધ સહકારી મંડળીઓના પદાધિકારીઓએ પ્રશંસનીય જાગૃતિ દાખવીને સાવલી તાલુકાના ગામોમાંથી એકત્ર કરવામાં આવેલું દૂધ બરોડા ડેરીમાં ભરવા જતાં વાહન કોન્ટ્રાક્ટરને દૂધમાં પાણી ભેળવતા રંગે હાથે પકડ્યો હતો. ગંભીર બાબત એ છે કે, આ દૂધમાં ગટરનું પાણી ભેળવવામાં આવી રહ્યું હતું. ઉનાળામાં આવું દૂષિત દૂધ પીવામાં આવે તો લોકોનું આરોગ્ય ગંભીર રીતે જોખમમાં મુકાય. આ ઘટના દર્શાવે છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જે રીતે શહેર ગામની દુકાનોમાં દૂધ અને ખાદ્ય પદાર્થોના નમૂના ચકાસણી માટે લે છે.

એ રીતે ડેરીમાં દૂધ ભરવા જતાં વાહનોને અધવચાળે અટકાવીને દૂધના નમૂના લેવા અને ચકાસણી કરવાની જરૂર છે. આ કામ ડેરીના ઝાંપે પણ થઈ શકે.તંત્ર ઉપરાંત ડેરી પોતાની એક ફલાયિંગ મિલ્ક ટેસ્ટિંગ સ્કવોડ બનાવી શકે જે મહિનામાં ત્રણથી ચાર વાર વિવિધ રૂટોના વાહનોમાંથી દૂધના નમૂના લઇને ચકાસણી કરી શકે. દૂધ ઉત્પાદકોની પ્રમાણિકતા શંકાસ્પદ નથી. પરંતુ બહારના તત્વો આ કૃત્ય કરી જાય ત્યારે બદનામી ડેરીની અને દૂધ ઉત્પાદકોની થાય છે. આ કિસ્સામાં આવકમાં નુકશાન ઉત્પાદકોને થયું છે અને કસૂરવાર દૂધ ચોરો એ વેચીને આવક મેળવતા હતા. ગંભીર વાત એ છે કે, ઉત્પાદક મંડળીઓએ ફેટના ભાવ ઓછા મળતા અને નુકશાન જતાં ડેરીને ફરિયાદ કરી હતી પરંતુ તેમની ફરિયાદ સાંભળવામાં ન આવી.

ડેરીએ ત્વરિત પગલાં લઈને બનાવમાં સંડોવણી છે તેવા વાહન ઇજારદારનો કોન્ટ્રાક્ટ રદ કર્યો અને ડિપોઝિટ જપ્ત કરી. જો કે બનાવની ગંભીરતા જોતા આ પૂરતું ના ગણાય. ભેળસેળ વાળા દૂધના નમૂના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને સોંપીને કાયદાની યોગ્ય જોગવાઈઓ હેઠળ કસૂરવાર સામે પોલીસ કેસ નોંધાવવાની જરૂર છે. ખોટું કરનાર જો યોગ્ય રીતે અને કડક રીતે દંડાશે તો આવી પ્રવૃત્તિ કરનારાઓમાં ધાક બેસશે. વધુમાં, ડેરીમાંથી કોઈનો સહયોગ હશે તો એ પણ ખુલ્લા પડશે! એટલે લોક આરોગ્યની રક્ષા માટે સમયાંતરે સેમ્પલિંગ અને ચકાસણી થવી અનિવાર્ય છે.