કાર્યવાહી@પાટણ: ગ્રાહક અદાલતે ખાનગી બેંકને મકાનનાં અસલ દસ્તાવેજ ખોઈ નાંખવા બદલ રૂા. 8.50 લાખનો દંડ ફટકાર્યો

 
ગ્રાહક તકરાર નિવારણ

અરજદારને પાટણ કમીશને અરજી ખર્ચનાં રૂા.4000 અને માનસીક ત્રાસના રૂા. 3000-ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણ ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ એન.પી. ચૌધરી અને સભ્ય સી.એસ. બ્રહ્મભટ્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપી ખાનગી બેન્કને રૂા.8,50,000-નો દંડ ફટકાર્યો હતો.હકીકત એવી છે કે, પાટણ મુકામે સ્વસ્તિક બંગ્લોઝમાં રહેતા ચૌધરી ગીતાબેન કીર્તીકુમાર અને ચૌધરી કીર્તીકુ માર બળવંતભાઈએ સને 2019 માં પાટણ ખાતે મકાન ખરીદ કરેલ જે મકાન ઉપર એકસીસ બેન્કમાંથી સંયુક્ત નામે હોમલોન રૂા.17,00,000/-ની લીધેલ જે હોમ લોન લેતી વખતે અરજદારોએ તેમના મકાનના અસલ દસ્તાવેજ તેમજ એન.એ. મંજૂરી તેમજ પાવતીઓ કરાવેલ.

ત્યારબાદ સને 2020 માં તેમની હોમ લોન બેન્ક ઓફ ઇન્ડીયામાં ટ્રાન્સફર કરતા એક્સીસ બેન્કની હોમલોનની તમામ રકમ ભરી દેતા બેન્કે તેમને એન.ઓ.સી. આપેલી ત્યારબાદ અરજદારે જમા કરાવેલ મકાનના અસલ દસ્તાવેજોની માંગણી એકસીસ બેન્ક પાસે કરતા એકસીસ બેન્કે તેમના દસ્તાવેજો ખોવાઈ ગયેલ છે તેવું જણાવ્યું હતું.

આ અંગે એફ.આઈ.આર.ની કોપી અરજદારને આપેલ ત્યારબાદ અરજદારની સંમતી લઈને ખોવાઈ ગયેલ દસ્તાવેજોની સર્ટીફાઈડ નકલ મેળવી આપેલ જે બાબતે અરજદારોએ વકીલ બી.એસ. ખમાર અને જે.આર. લાલવાણી મારફતે પાટણની ગ્રાહક કમીશનમાં એકસીસ બેન્ક સામે કેસ કરતા અરજદારના વકીલની દલીલો તેમજ રજૂ કરેલ પુરાવાઓ અને અરજદારના વકીલે રજૂ કરેલ નેશનલ કમીશનના જજમેન્ટને ધ્યાને રાખીને પાટણ કમીશનના પ્રમુખ એન.પી. ચૌધરીએ એકસીસ બેન્કને મકાનના અસલ દસ્તાવેજો ખોઈ નાખવા બદલ રૂા.8,50,000- આર્થિક નાણાંકીય નુકસાનીના વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ રકમ અરજ કર્યાની તારીખથી વસુલ કરવામાં આવે ત્યાં સુધી તેની ઉપર 9%ના સાદા વ્યાજ સાથે બિનચુક ચુકવી આપવાનો હુકમ કર્યો.