કાર્યવાહી@વડોદરા: પાલિકાના રોડ શાખાના અધિકારીઓની પોલ ખુલી, નવો બનેલો રોડ પીગળી જતા ઉઠ્યા સવાલ

 
રોડ

અધિકારીઓ અને કોન્ટ્રાકટર ની મીલીભગત થી કામો મંજૂર કરાતાં હોય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરા શહેરમાં ગરમીએ કોન્ટ્રાકટર અને પાલિકાના રોડ શાખાના અધિકારીઓની પોલ ખોલી નાખી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં નવો બનેલો રોડ માત્ર 20 થી 25 દિવસ માં જ પીગળી જતા અનેક સવાલ ઉઠ્યા છે.યશ કોમલેક્સથી ગોત્રી પોલીસ સ્ટેશન તરફ જવાનો રસ્તો હજી માંડ 20 દિવસ પૂર્વે જ બનાવવામાં આવ્યો છે. તેવામાં રોડ પરનો ડામર અચાનક જ પીગળી જતા રોડ ની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ખુદ પાલિકાના સત્તાધીશો સામે આંગળી ચીંધી રહ્યા છે. રોડ પીગળવા મામલે વાહનચાલકોએ જણાવ્યું કે, ગોત્રી વિસ્તારનો આ રોડ શરૂઆતથી જ હલકી ગુણવત્તાને કારણે સતત ચર્ચામાં રહ્યો છે.

રોડ બનાવવા માં આવે છે ત્યારે પાલિકાના અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી જેના કારણે સામાન્ય નાગરિકો એ વેઠવાનો વારો આવે છે. આ મામલે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, ઉનાળામાં રોડ પીગળવા એ સામાન્ય બાબત છે. આમ છતાં રોડ પીગળવાની ઘટનામાં અધિકારીઓને તપાસ કરવા સૂચના આપી છે. નાગરિકો દ્વારા રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે ત્યારે બાદ તાત્કાલિક રોડના સેમ્પલ લઇ ચકાસણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના મતે પ્રાથમિક તબક્કે રોડની ક્વોલિટી સારી છે,રોડના સિલકોટની કામગીરી હજી ચાલુ છે, ગઈકાલે રાત્રે જ સીલકોટ કરાવ્યો હતો.

વડોદરા પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે જણાવ્યું કે, ગત વર્ષે પણ આજ પ્રમાણે શહેરમાં રોડ પીગળ્યાં હતા. પાંચ થી સાત રોડ પીગળી જતા નાગરિકો એ વેદના વેઠી હતી.ત્યારે આ વર્ષે પણ રસ્તા પર ડામર પીગળવા ના કિસ્સા સામે આવ્યા છે. ક્યાં કારણોસર ડામર પીગળે છે? તેની ચોક્કસ થી તપાસ થવી જોઈએ. પાલિકા એ તાજેતરમાં જ બિનજરૂરી 70 કરોડ ના કામો રોડ માટે મંજૂર કર્યા છે. જેથી રોડ શાખા માં ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું લાગે છે.