વિરોધ@અમદાવાદ: નિરાશાજનક પરિણામો બાદ કોંગ્રેસમાં ભડકો, 6 વોર્ડ પ્રમુખો સસ્પેન્ડ, કાર્યકરોમાં ભારે રોષ

 
વિરિધ
આ કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પક્ષના નિરાશાજનક પરિણામો બાદ શહેર સંગઠનમાં ભડકો થયો છે, જેમાં શહેર પ્રમુખ સોનલ પટેલ વિરુદ્ધ કાર્યકરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. પક્ષની આ હારની નૈતિક જવાબદારી સ્વીકારવાને બદલે શહેર પ્રમુખે હારનું ઠીકરું નાના કાર્યકરો પર ફોડતા વિવાદ વધુ વકર્યો છે.આ ઘટનાક્રમમાં કોંગ્રેસના છ જેટલા વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મક્તમપુરા જેવા વિસ્તારોમાં, જ્યાં પેનલ જીતી હોવા છતાં પ્રમુખને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, તે બાબતે કાર્યકરોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે.

સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો અને તેમના સમર્થકોનો આક્ષેપ છે કે ચૂંટણીમાં નિષ્ફળતા પાછળ શહેર પ્રમુખ સોનલ પટેલની નબળી વ્યૂહરચના અને ખોટા ઉમેદવારોની પસંદગી જવાબદાર છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે નાના કાર્યકરો સામે પગલાં લેવાને બદલે શહેર પ્રમુખે પોતે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું જોઈએ. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં જ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે.

ચૂંટણીમાં પક્ષના નિરાશાજનક પ્રદર્શન અને નબળી કામગીરીને લઈને અમદાવાદના 6 જેટલા વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવાની આ કાર્યવાહી બાદ કોંગ્રેસના કાર્યકરો ભારે રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર શહેર પ્રમુખ સોનલ પટેલનો ખુલ્લેઆમ વિરોધ શરૂ કરી દીધો છે.