વિરોધ@છોટાઉદેપુર: આદિવાસી મેળામાં ભાજપના નેતાઓ પક્ષના ઝંડા સાથે નજરે પડતા વિવાદ, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવારો નિમિત્તે રજૂવાંટ ગામે આયોજિત 'ભંગુરિયા' મેળામાં ભાજપના નેતાઓ પક્ષના ઝંડા સાથે નજરે પડતા વિવાદ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવાએ આ મામલે ભાજપના સાંસદ સહિતના નેતાઓનો ઉધડો લીધો છે. છોટાઉદેપુર તાલુકાના રજૂવાંટ ગામે છેલ્લા પાંચ વર્ષથી સામાજિક આગેવાનોના સહયોગથી 'રૂરલ હાટ' ખાતે ભંગુરિયા મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ મેળો ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદ પર હોવાથી બંને રાજ્યોના આદિવાસી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ વર્ષે મેળા દરમિયાન ભાજપના સાંસદ જશુભાઈ રાઠવા અને અન્ય નેતાઓ પક્ષના ઝંડાઓ લઈને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કૂદતા જોવા મળ્યા હતા, જેને લઈને સામાજિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે.આ ઘટના અંગે AAP નેતા અને છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુ રાઠવાએ આકરા પ્રત્યાઘાતો આપતા જણાવ્યું હતું કે, "સામાજિક કાર્યકર્તાઓએ ભેગા મળીને આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો છે, પરંતુ ભાજપના દિગ્ગજ નેતાઓ અહીં આવીને પક્ષનો પ્રચાર કરી પોતાનો રોફ જમાવી રહ્યા છે. જો સામાજિક મેળાઓમાં તમામ પક્ષો પોતાના ઝંડા લઈને આવશે, તો લોકો વચ્ચે જૂથવાદ અને ઘર્ષણ ઊભું થશે. આવી સ્થિતિમાં જવાબદારી કોની રહેશે?"
વધુમાં જણાવ્યું હતું કે, "સામાજિક કાર્યક્રમોમાં આ પ્રકારે ઝંડા લાવીને આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ બંધ કરવું જોઈએ. જો સમાજની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવશે, તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું. ચૂંટણી આવે ત્યારે તમે ઝંડા લઈને કૂદો તેની સામે અમારો કોઈ વિરોધ નથી, પણ પરંપરાગત સાંસ્કૃતિક મેળાને રાજકારણનું અખાડો ન બનાવો." વિનુ રાઠવાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં યોજાનારા કોઈપણ ભંગુરિયા મેળામાં રાજકીય પક્ષોના ઝંડાઓ લાવીને સંસ્કૃતિનું અપમાન કરવામાં આવશે, તો તમામ સામાજિક કાર્યકર્તાઓ સાથે મળીને તેનો સખત વિરોધ કરવામાં આવશે.

