વિરોધ@દેશ: સુરેન્દ્રનગરમાં મહારેલી વચ્ચે ટ્રેન અટકાવાતા સુરક્ષાતંત્રમાં દોડધામ, પાટણ સહિતના શહેરોમાં દેખાવો

 
વિરોધ

બિહારમાં દેખાવકારો સામે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અનુસૂચિત જાતિ અને જન જાતિના અનામતમાં ક્રિમિલેયના સુપ્રીમ કોર્ટના ફેસલાના વિરોધમાં દેશભરના વિભિન્ન સંગઠનોએ આજે ભારત બંધનું આહવાન આપ્યું હતું. આ બંધ દરમિયાન આજે બિહારમાં હાઈવે જામ કરાયો હતો. ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.બિહારમાં દેખાવકારો સામે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દેખાવકારોએ નારેબાજી કરી હતી. મધ્ય પ્રદેશમાં દુકાનદારો અને દેખાવકારોએ વચ્ચે બજાર બંધ કરવા મામલે અથડામણ થઈ હતી.

ભારત બંધની સૌથી વધુ અસર બિહારમાં રહી હતી જયારે ઉતરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગુજરાતમાં પણ રહી હતી.બંધ દરમ્યાન દેખાવકારોએ રેલવે ટ્રેક પર નારાબાજી કરી હતી જેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. દેખાવકારોએ આરા અને દરભંગામાં ટ્રેનો રોકી હતી. આ ઉપરાંત જહાનાબાદ, પૂર્ણિમામાં હાઇવે જામ કરાયો હતો જેથી લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

અનામત બચાવો સમિતિએ આપેલ ભારત બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. સાબરકાંઠાના વિજયનગર ચિકોડામાં બજારો સવારથી બંધ હતી. નર્મદા જિલ્લામાં આદિવાસી સંગઠન ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય સંગઠનોએ પણ બંધને ટેકો આપ્યો હતો. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં દલિત સમાજે રસ્તા રોકતા પોલીસ દોડતી થઇ હતી.ભીલોડામાં આદિવાસી સમાજે રેલી કાઢી હતી. ભીલોડા સજ્જડ બંધ રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં માલગાડીને રોકવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પાટણમાં ઉગ્ર દેખાવો થયા હતા. નવસારીમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અહીં રોડ પર ચક્કાજામ કરાયો હતો. શામળાજીમાં બસોને સ્ટેન્ડ બાય કરાતા હજારો મુસાફરો રઝળી પડ્યા હતા.