વિરોધ@ગાંધીનગર: TET-TAT ઉમેદવારોનું ઉગ્ર આંદોલન, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતનાની અટકાયત

 
આંદોલન
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજાર જેટલી ખાલી જગ્યાઓમા કાયમી ધોરણે ભરતી કરવાને બદલે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના લાગુ કરી 11 મહિનાની કરાર આધારીત ભરતી કરતા TET-TAT ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હજારો ઉમેદવારોએ ગાંધીનગરમાં સચિવાલય ખાતે ઉગ્ર આંદોલન શરુ કર્યુ હતુ. મોટી સંખ્યામાં હજારો ઉમેદવારોએ સચિવાલય ખાતે કાયમી ભરતીની માગ સાથે પહોંચ્યા હતા. ઉમેદવારોના સમર્થનમાં આવેલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતનાની અટકાયત કરવામાં આવી હતી.

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, દેશ સહિત ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર છે, ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે. ત્યારે સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 માસ માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગુજરાતના ટેટ અને ટાટ પાસ યુવાઓ પોતાની યોગ્ય માંગણી કરી રહ્યા છે. આ સરકાર યુવાઓ સાથે સંવાદ પણ નથી કરી રહી. સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલી કાઢીશું. જેની તમામ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી પણ આપી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી હતી અને પોલીસવાન ભરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કાયમી શિક્ષક બનવા માટે ઉમેદવારોએ TET-TAT પરીક્ષા પાસ કર્યા બાદ પણ માત્ર 11 મહિના માટે કરાર આધારીત નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકમાં હજારો ઉમેદવારો નિમણૂક બાદ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યા મોટી સંખ્યામાં ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે.