વિરોધ@ગુજરાત: સરકારની એસ્મા લગાવવાની ધમકી છતાં આરોગ્યકર્મચારીઓ લડી લેવાના મુડમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યભરમાં જિલ્લા આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો આજે બીજો દિવસ છે. પાંચ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર રહેલા કર્મચારી આગેવાનોએ ગાંધીનગરમાં ધામાં નાખ્યા છે. સતત બીજા દિવસે પણ મોટી સંખ્યામાં જિલ્લા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં એકઠા થઈ અને પોતાની બે મુખ્ય માંગણીઓ સાથે સુત્રોચ્ચાર અને દેખાવ કર્યા હતા.આરોગ્ય કર્મચારીઓએ ગઈકાલે પણ ગાંધીનગરમાં દેખાવ કર્યા અને ધરપકડ વહોરી હતી.સરકારે એસ્મા લગાવવાની ધમકી આપી તેમ છતાં પણ આરોગ્યકર્મચારીઓ પોતાની માગણીને લઈને લડી લેવાના મુડમાં જોવા મળ્યા છે.
આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી છે. આ ચીમકીમાં તેમણે ઘણી બધી સૂફિયાણી વાતો કરી, પરંતુ બે વાત ઘણી મહત્ત્વની છે. આરોગ્ય કર્મીઓની વિવિધ માગ મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે, 'આરોગ્ય કર્મીઓની બધી માગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારી ના લેવાય, ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.' તેમનો બીજો મુદ્દો એ છે કે, 'આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મુકાય છે'.
રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે બિનજરુરી અને વારંવાર હડતાલ પર જઈને દર્દીઓની જિંદગી જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે નહીં ચાલે. ફિક્સ-પેના કર્મીઓ હડતાળ પર જાય ત્યારે તેમની સેવા સમાપ્તિ સુધીની વિચારણા ચાલી રહી છે. આ મામલે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ, 1981 હેઠળ હવે સરકાર નોટિફિકેશન કે ગેજેટ પ્રસિદ્ધ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે.