વિરોધ@ગુજરાત: હેવી વીજલાઈન મુદ્દે ખેડૂતોનો આક્રોશ, આવતીકાલે "ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી"

 
વિરોધ
ભરૂચમાં પોલીસે ખેડૂતોની અટકાયત કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ખેતરોમાંથી પસાર થતી હેવી વીજલાઈનો અને પૂરતા વળતરના મુદ્દે ખેડૂતોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પોતાની પડતર માગોને લઈને રાજ્યના મોરબી, ભરૂચ અને સુરત સહિતના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. આવતીકાલે પાટનગર ગાંધીનગરમાં ખેડૂતો ટ્રેક્ટર સાથે મોટો વિરોધ પ્રદર્શન કરવાના છે.આ કૂચને રોકવા માટે ભરૂચમાં પોલીસે ખેડૂતોની અટકાયત પણ કરી છે, જેના કારણે ખેડૂતોમાં સરકાર અને તંત્ર સામે રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે.

મોરબી જિલ્લામાં પાવરગ્રીડની લાઈનો નાખવા સામે ખેડૂતો છેલ્લા એક સપ્તાહથી જેતપરમાં ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા. પૂરતા વળતરની માગ સાથે આજે મોરબી, ટંકારા, માળીયા અને હળવદના ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈને ગાંધીનગર જવા નીકળી ગયા છે. ગુજરાત સંઘર્ષ સમિતિના આગેવાનો પાલ આંબલીયા અને મહેશ રાજકોટિયા પણ આ કૂચમાં જોડાયા છે. આગેવાનોએ દાવો કર્યો છે કે અપેક્ષા કરતાં પણ વધુ સંખ્યામાં ટ્રેક્ટરો આ યાત્રામાં જોડાયા છે.ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવરગ્રીડ લાઈનના વિરોધમાં અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો પણ મેદાને પડ્યા છે. પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને દેવા માફીની માગ સાથે 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે ખેડૂતો ગાંધીનગર જવા નીકળ્યા હતા.

કડકડીયા કોલેજ પાસે જ પોલીસે તેમને આગળ જવાની મંજૂરી ન હોવાનું કહીને અટકાવ્યા હતા. રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર બેસી જતા પોલીસ અને ખેડૂતો વચ્ચે થોડા સમય માટે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આખરે મામલો થાળે પાડવા પોલીસે 10 જેટલા ખેડૂતોની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.સુરત જિલ્લાના ખેડૂતો પણ છેલ્લા દોઢ વર્ષથી વીજ લાઈનનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આવતીકાલે ગાંધીનગરમાં યોજાનારી 'ખેડૂત અધિકાર યાત્રા' માટે સુરતના ઓલપાડથી ખેડૂતો 65 જેટલા ટ્રેક્ટર અને 100 થી વધુ વાહનોના વિશાળ કાફલા સાથે પાટનગર જવા રવાના થયા છે. હાથમાં પ્લે કાર્ડ અને 'જય જવાન, જય કિસાન' ના નારા સાથે ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. તેમની મુખ્ય માગ વીજ લાઈનનું વળતર, દેવા માફી, MSP અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતના પશુપાલકોને પણ સમાન લાભ આપવાની છે. આક્રોશિત ખેડૂતોએ સરકારને પોતાની માંગો સંતોષવા ચીમકી આપી છે.