વિરોધ@ગુજરાત: જૂની પેંશન સ્કીમ અને TAT મુદ્દે શિક્ષકોનો આક્રોશ, કલેક્ટર કચેરી ખાતે ધરણા
ગોધરામાં 1000થી વધુ શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને આરપારના મૂડમાં જોવા મળી રહ્યા છે. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા અને ફરજિયાત કરાયેલી TET તેમજ TAT પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માટે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થયો છે.
આજે અમદાવાદ, પંચમહાલ અને છોટાઉદેપુર સહિતના જિલ્લામાં હજારો શિક્ષકોએ કલેક્ટર કચેરીઓ ગજવીને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. AMC સંચાલિત શાળાઓના સેંકડો શિક્ષકો આજે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા પર બેઠા હતા. શિક્ષકોએ એક વિશાળ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વર્ષ 2005 પછી ભરતી થયેલા શિક્ષકો માટે પેન્શન બંધ કરાતા 'જૂની પેન્શન યોજના' ફરી શરૂ કરવાની માંગ છે. આ ઉપરાંત, વર્ષ 2010 પહેલાં સેવામાં જોડાયેલા શિક્ષકો માટે પણ સરકારે TET પરીક્ષા ફરજિયાત બનાવીને હકો અટકાવી દેતા શિક્ષકો નારાજ છે.
કલેક્ટર કચેરી બહાર શાંતિપૂર્ણ ધરણા માટે શિક્ષકોએ બાંધેલો મંડપ પોલીસે વચમાં આવીને ખોલાવી નાખતા શિક્ષકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત જિલ્લા સેવાસદન અને સર્કિટ હાઉસ સંકુલની બહાર પણ શિક્ષકોનો ભવ્ય મોરચો જોવા મળ્યો હતો. TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે અંદાજે 1000થી વધુ શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શિક્ષકોના હાથમાં સરકાર વિરોધી પ્લે-કાર્ડ્સ અને બેનરો જોવા મળ્યા હતા. જિલ્લા શિક્ષક સંઘના અગ્રણીઓની હાજરીમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો માંગ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

