વિરોધ@પાટણ: નજૂપૂરા ગામનો ચૂંટણી બહિષ્કારનો કડક નિર્ણય, 'નર્મદાનું પાણી ન મળે ત્યાં સુધી વોટ નહીં'ના નારા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલું નજૂપૂરા ગામ હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ગામના લોકોએ એક અનોખો અને કડક નિર્ણય લીધો છે. 26 એપ્રિલે યોજાનાર મતદાનમાં ગામનો એકપણ મતદાર મતદાન નહીં કરે એવી જાહેર જાહેરાત કરવામાં આવી છે. ગ્રામજનોનો આ નિર્ણય તેમના લાંબા સમયથી ચાલતા પાણીના પ્રશ્નને લઈને લેવામાં આવ્યો છે.
નજૂપૂરા ગામ ખેતી પર આધારિત વિસ્તાર છે, પરંતુ નર્મદાના સિંચાઈના પાણીના અભાવે અહીંના ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ન મળવાને કારણે લગભગ 700થી વધુ વિઘા જમીન બિનઉપયોગી બની ગઈ છે. આ કારણે ખેડૂતોની આવક પર ગંભીર અસર પડી છે અને તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે.
ગામના લોકોનું કહેવું છે કે તેઓએ અનેક વખત તંત્ર સમક્ષ પાણી માટે રજૂઆતો કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ અને અસરકારક ઉકેલ મળ્યો નથી. સતત અવગણના અને ખાલી આશ્વાસનોને કારણે ગામજનોમાં અસંતોષ વધતો ગયો છે. અંતે તેઓએ "પાણી નહીં તો વોટ નહીં"નો નારો આપીને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
ગ્રામજનોના આ નિર્ણયને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાજેતરમાં ગામની મુલાકાતે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. અધિકારીઓએ ગ્રામજનોને ટૂંક સમયમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી અને તકનીકી અડચણો દૂર કરવાની વાત કરી હતી.
પરંતુ ગામજનો આ આશ્વાસનોથી સંતોષાયેલા નથી. તેઓનું કહેવું છે કે અગાઉ પણ અનેક વખત આવી જ ખાતરીઓ આપવામાં આવી પરંતુ કોઈ વાસ્તવિક ફેરફાર આવ્યો નથી. તેથી તેઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી નર્મદાનું પાણી ખેતરો સુધી પહોંચશે નહીં ત્યાં સુધી તેઓ પોતાનો નિર્ણય બદલશે નહીં. ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગ્રામજનો એકમત થઈને 26 એપ્રિલે મતદાનથી દૂર રહેવાનો સંકલ્પ લીધો છે.

