વિરોધ@પાટણ: કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી રોષ ઠાલવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ જિલ્લામાં વડગામના ધારાસભ્યનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ થયો જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી રોષ ઠાલવ્યો છે. હાલમાં અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જીલ્લા પ્રમુખ તરીકે સિદ્ધપુરના જયાબેન શાહની વરણી કરવામાં આવી છે. જેને લઈને પાટણ જિલ્લા કોંગ્રેસમાં આતંરિક ડખો ઊભો થયો હતો. પાટણ જિલ્લાના પૂર્વ અનુ.જાતિના અધ્યક્ષ પ્રમુખ હસમુખ સક્સેનાએ આ પદ ફરી મળે તે માટે જિલ્લાથી લઈને પ્રદેશ સુધી ધમપછાડા કર્યા હતા.
છતાં પણ કોંગ્રેસ મોવડી મંડળે જયાબેન શાહને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ઘોષિત કરતાં હસમુખ સક્સેના અને તેમના સમર્થકો નારાજ થયા હતા. વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકરોનેએ દાવો કર્યો હતો કે અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જીલ્લા પ્રમુખ તરીકે સિદ્ધપુરના જયાબેન શાહની નિમણૂક જિજ્ઞેશ મેવાણીના કહેવાથી થઈ છે. જેથી કોંગી કાર્યકરોએ મેવાણી સામે પણ નારેબાજી કરી બળાપો ઠાલવ્યો હતો. નિમણૂક પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા અને સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી હતી પણ ધ્યાને ન લેતા હવે વિરોધના ભાગરૂપે કાર્યકરોએ ખુલ્લેઆમ જિજ્ઞેશ મેવાણી પર હૈયા વરાળ ઠાલવી હતી.
પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાનો એવો આક્ષેપ છે કે જિજ્ઞેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડીયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે અને સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે એ કોઈ કારણે અમે થવા નહીં દઈએ. બીજી તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ વિરોધને ટેકો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ધારાસભ્યની પણ સેન્સ લેવામાં આવી નથી, જો આવી જ સ્થિતિ ચાલુ રહી અને નેતાઓ સુધરશે નહીં, તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે.
સમગ્ર મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ કહ્યું છે કે SC ડિપાર્ટમેન્ટમાં નિમણૂકને લઈને વિવાદ થયો છે. આ વિવાદ 'ઘરનો આંતરિક મામલો' છે. બંને જૂથોને સાથે બેસાડીને આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે અને સમાધાનકારી રસ્તો કાઢવામાં આવશે.અનુ. જાતિના કાર્યકરોએ રાખેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ કે આગેવાનો હાજર ન રહેતા તેમણે જિલ્લા કાર્યાલયની તાળાબંધી પણ કરી હતી. અને જો આગામી સમયમાં અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જીલ્લા પ્રમુખ તરીકે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો 2 હજારથી વધુ કોંગ્રેસ કાર્યકરો રાજીનામું ધરી દેશે.

