વિરોધ@વડોદરા: વાઘોડિયામાં ભાજપના બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો મામલો વિગતે

 
વિરોધ
રાજકીય દ્વેશભાવ રાખીને યુવકોએ આ પ્રકારનુ કૃત્ય કર્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. તે દરમિયાન વડોદરાના વાઘોડિયામાં ભાજપના બેનરો ફાડવામાં આવ્યાં હતા.અલવા, ગુલાબપુરા, નર્મદપુરા આમોદર, પિપરીયા અને કમલાપુરા સહિત 8 ગામોમાં બેનરો ફાટ્યાં હતા. રાત્રિ દરમિયાન પાંચ જેટલા બાઈક પર આવેલા યુવકોએ આ બેનરો ફાડ્યાં હતા.

ભાજપના કાર્યકરો દ્વારા વાઘોડિયા પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી. CCTV ફૂટેજના આધારે 5 યુવકોની પોલીસે પૂછપરછ કરી હતી. અલવા ગામના બે અને નર્મદપુરા ગામના ત્રણ યુવકોની બેનરકાંડમા સંડોવણી સામે આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં અટકચાળાના ઈરાદે યુવકોએ કૃત્ય આચર્યું હોવાની માહિતી મળી છે.વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે. રાજકીય દ્વેશભાવ રાખીને યુવકોએ આ પ્રકારનુ કૃત્ય કર્યું છે. ગત વિધાનસભામાં પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પોસ્ટરો બેનરો ફાડવામાં આવ્યાં હતા. ચૂટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણમા ગરમાવો આવી રહ્યો છે. આ બનાવનું ક્ષત્રિય આંદોલન સાથે કોઇ કનેક્શન સામે આવ્યું નથી.